Vadodara: મહેસૂલ અને જમીન દફતર વિભાગના 2 હજાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, વહીવટી કામગીરી ઠપ્પ

વડોદરામાં મહેસૂલ અને જમીન દફતર વિભાગના આશરે 2 હજાર કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા, જમીન માપણી સહિતની મહેસૂલી સેવાઓ ખોરવાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 21 Sep 2026 03:09 PM (IST)Updated: Mon, 21 Sep 2026 03:09 PM (IST)
vadodara-revenue-land-records-department-employees-indefinite-strike-2000-employees

Vadodara Revenue Department Strike: રાજ્યના મહેસૂલ વિભાગ તેમજ જમીન દફતર વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. છેલ્લા 5 વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં તંત્ર કે સરકાર દ્વારા કોઈ યોગ્ય આકલન કે નિરાકરણ ન લાવવામાં આવતાં આખરે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ હડતાળના કારણે વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં જમીન માપણી, દસ્તાવેજ નોંધણી અને મહેસૂલી સેવાઓ સંપૂર્ણપણે અટકી પડી છે.

2 હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

મળતી વિગતો મુજબ, રાજ્યભરમાંથી જમીન દફતર અને મહેસૂલ વિભાગના અંદાજે 2 હજાર જેટલા કર્મચારીઓ આજથી કામગીરી બંધ કરીને હડતાળમાં જોડાયા છે. કર્મચારી મંડળના પ્રતિનિધિઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કર્મચારીઓના ગ્રેડ પે, પ્રમોશન, નવી ભરતી અને વહીવટી પ્રશ્નો અંગે છેલ્લા પાંચ વર્ષથી ઉચ્ચ સ્તરે લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં સરકારે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આથી, જ્યાં સુધી તમામ માંગણીઓનું કાયમી અને લેખિત નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે.

નાગરિકો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો

આ અચોક્કસ મુદતની હડતાળને કારણે સરકારી કચેરીઓમાં આવતા સામાન્ય નાગરિકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જમીનની માપણી, સીટી સર્વેને લગતા કામો, બિન-ખેતી (NA) પરવાનગીઓ, વિવિધ મહેસૂલી દાખલાઓ અને જમીનના દસ્તાવેજીકરણની પ્રક્રિયા અટકી જતાં સરકારી કામકાજ ખોરવાઈ ગયું છે. કચેરીઓમાં કર્મચારીઓ કામથી અળગા રહીને બેસી જતાં અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.