વડોદરામાં વર્ક પરમિટ વિઝાના નામે રુ. 50 લાખની ઠગાઈ: બે મહિનાથી નાસતો-ફરતો રીઢો ગુનેગાર આખરે દબોચાયો!

વડોદરાના ગોરવા પોલીસ મથકમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે રૂ. 50 લાખથી વધુની છેતરપિંડી આચરનાર રીઢા ગુનેગાર હેમલ પટેલ ઉર્ફે ભયલુની ધરપકડ કરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 15 Oct 2026 11:44 AM (IST)Updated: Thu, 15 Oct 2026 11:44 AM (IST)
vadodara-work-permit-visa-fraud-hemal-patel-gorwa-police-arrest

Vadodara Crime News: વડોદરા શહેરમાં વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા નાગરિકોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા એક રીઢા ગુનેગારની ગોરવા પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક ગુનાઓમાં સંગઠિત કૌભાંડ આચરી ચૂકેલા ચાલાક આરોપીએ આ વખતે અમેરિકાના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને કરોડોના ખેલ રચ્યો હતો.

ભેજાબાજે 50 લાખનો ફ્રોડ કર્યું

ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી હેમલ ઉર્ફે રૂદ્ર ઉર્ફે ભયલુ નરેન્દ્ર પટેલને દબોચી લેવામાં સફળતા મળી છે. આરોપીએ અગાઉ ગોરવા સહિત અન્ય પોલીસ મથકોમાં વિવિધ આર્થિક ગુનાઓ આચર્યા હોવાનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે આ ભેજાબાજે ફરિયાદી ઉપરાંત અન્ય નવ સાહેદોને પણ પોતાની જાળમાં ફસાવીને કુલ રૂ. 50.39 લાખ જેટલી માતબર રકમ હડપ કરી લીધી હતી.

અમેરિકન વિઝાના નામે છેતરપિંડી

ઘટનાની વિગતો અનુસાર, ડિસેમ્બર 2025થી આરોપી હેમલ પટેલે ફરિયાદી સાથે નિકટતા કેળવીને અમેરિકાની વર્ક પરમિટ વિઝા સરળતાથી મેળવી આપવાનો ભરોસો આપ્યો હતો. આ ખાતરીના આધારે તેણે ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે રૂ. 5.77 લાખની રકમ ઉઘરાવી લીધી હતી. જોકે, વિઝા ન મળતાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ માત્ર રૂ. 1 લાખ પરત કર્યા હતા અને બાકીના રૂ. 4.77 લાખ આપવા બાબતે હાથ ઊંચા કરી દઈ ફરાર થઈ ગયો હતો.

પોલીસે આરોપીને પકડી પાડ્યો

આખરે પીડિતની ફરિયાદના આધારે ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરીને બે મહિનાથી પોલીસને ચકમો આપતા આ રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીના ભૂતકાળના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની સાથે સંકળાયેલા અન્ય સાગરીતો અને વધુ ભોગ બનનારાઓના નામો સામે આવી શકે.