Vadodara News: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 37 વર્ષીય સ્ટાફ નર્સ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શખ્સે પોતે અપરિણીત હોવાનું જણાવી મહિલાને પ્રેમજાળમાં ફસાવી, બાળકીના જન્મ બાદ લગ્નનો ઢોંગ રચ્યો હતો. એટલું જ નહીં, મહિલા પાસેથી સોનાના દાગીના, રોકડ અને પીએફ ના નાણાં પડાવી લીધા બાદ તે પહેલેથી પરણેલો હોવાનું બહાર આવતા મામલો માંજલપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
આ પણ વાંચો
ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર મહિલાના લગ્ન વર્ષ 2008માં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના યુવક સાથે થયા હતા. જોકે, લગ્નજીવનમાં અવારનવાર થતા ઝઘડા અને શારીરિક ત્રાસથી કંટાળીને તે વર્ષ 2012માં પોતાના બે બાળકો સાથે પિયર પરત ફરી હતી. વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી શરૂ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
આરોપીએ મહિલાને ફસાવી લીધી
દરમિયાન, પોતાના ઘરના સ્વપ્નને સાકાર કરવા માટે હોમ લોનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ લોનની તપાસ દરમિયાન તે એક્સિસ બેંકના હોમ લોન વિભાગમાં ફરજ બજાવતા દિનેશ મોકરીયાના સંપર્કમાં આવી હતી. દિનેશે પોતે અપરિણીત હોવાનું કહી મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો અને લગ્ન કરવા માટેની ખાતરી આપી હતી. આ ભરોસાને કારણે મહિલાએ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સમાજના રીતરિવાજ મુજબ પોતાના અગાઉના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ, 1 જાન્યુઆરી 2023ના રોજ મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો.
બીજી મહિલાએ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો
સંતાનના જન્મ પછી દિનેશ તેને તેના પરિવાર પાસે પોરબંદર લઈ ગયો હતો, જ્યાં તેણે કુળદેવીના મંદિરમાં સિંદૂર પૂરીને તેની સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. આ લગ્નજીવન સામાન્ય રીતે ચાલતું હોવાનું માનીને મહિલાએ તેના પર સંપૂર્ણ ભરોસો મૂક્યો હતો. જોકે, આ છેતરપિંડીનો પર્દાફાશ ગત 10 એપ્રિલ 2026ના રોજ થયો, જ્યારે દેવિકા નામની એક મહિલા અચાનક ઘરે આવી પહોંચી અને પોતે દિનેશની પહેલેથી જ પત્ની હોવાનો ઘટસ્ફોટ કર્યો.
પીડિત મહિલાએ કર્યો ગંભીર આક્ષેપ
આ સત્ય બહાર આવતા જ સ્ટાફ નર્સના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પીડિત મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે દિનેશે સોનાની બે ચેન, કાનની બુટ્ટીઓ તેમજ રૂ. 3 લાખ રોકડા રકમ બેંકના લોકરમાં મૂકવાના બહાને પોતાની પાસે કબ્જે કરી લીધી હતી. આ ઉપરાંત, મહિલાના બેંક ખાતા અને પીએફ સાથે જોડાયેલી અંગત વિગતો મેળવીને તેના પીએફના નાણાં પણ સેરવી લીધા હતા.
મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી
જ્યારે આ સમગ્ર બાબતે મહિલાએ ગત 12 એપ્રિલે દિનેશ પાસે ખુલાસો માંગ્યો અને પ્રશ્નો કર્યા, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને તેની સાથે મારપીટ પણ કરી હતી. આ મામલે પીડિત મહિલાએ હિંમત દાખવીને દિનેશ મોકરીયા વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ દિશામાં વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
