Vadodara News: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે કચરો અને ગંદકી ફેલાવતા તત્વો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને જાહેર સ્થળો પર કચરો ફેંકનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવાના હેતુથી પાલિકાની ટીમે આજે લાલ આંખ કરી હતી. વોર્ડ નંબર 6 ની ટીમે સંગમ ચાર રસ્તા વિસ્તારમાં અચાનક દરોડો પાડી જાહેર રોડ પર ગંદકી કરતી બે દુકાનોને સીલ કરી રુ. 5,000નો દંડ ફટકાર્યો હતો.
વોર્ડ નં 6ના દુકાનદારોને સૂચના અપાઈ
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, કિશનવાડી શાક માર્કેટ પાસે આવેલી વોર્ડ નંબર 6 ની કચેરીના એએમસી સુરેશ તુવેર અને તેમની સેનિટેશન ટીમે આ સઘન કાર્યવાહી હાથ ધરી હતી. સંગમ ચાર રસ્તા નજીક આવેલી 'રજવાડી ચા' સહિત બે દુકાનોના સંચાલકો દ્વારા પાન-મસાલા, પડીકીઓ તેમજ અન્ય વેસ્ટ કચરો સીધો જાહેર રોડ પર ફેંકવામાં આવતો હતો. આ બાબતે પાલિકાની ટીમ દ્વારા અગાઉ પણ દુકાનદારોને વારંવાર મૌખિક તથા લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં દુકાનદારોના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો.
દુકાન સંચાલકોને દંડ ફટકારાયો
છેવટે પાલિકા તંત્રે કડક વલણ અપનાવી જી.પી.એમ.સી. એક્ટ 1949 અને ઘન કચરા વ્યવસ્થાપન નિયમ ૨૦૧૬ હેઠળ બંને વેપારી એકમોને સીલ કરવાની કામગીરી કરી હતી. આ સાથે જ બંને એકમો પાસેથી ₹ 5 હજારનો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
નોટિસ ફટકારી ચેતવણી અપાઈ
પાલિકા દ્વારા દુકાનના શટર પર મારેલી સીલ નોટિસમાં આકરા શબ્દોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અથવા સંબંધિત વોર્ડ કચેરીની પૂર્વ મંજૂરી વિના સીલ ખોલવા કે તોડવાનો પ્રયાસ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા ની કલમ 223 હેઠળ નજીકના પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
દુકાનદારોમાં ફફડાટ ફેલાયો
સંગમ ચાર રસ્તા જેવા ધમધમતા વિસ્તારમાં પાલિકાની આ અચાનક અને આકરી કાર્યવાહીથી ગંદકી ફેલાવતા અન્ય વેપારીઓ અને દુકાનદારોમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે. પાલિકા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગંદકી કરતા એકમો સામે આવી જ આકરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
-1790934913710_m.webp)