Vadodara: વેલેન્ટાઈન ડે પર યુવકને 'તાલિબાની સજા' આપતો વીડિયો વાયરલ: યુવતીની સામે બેરહેમીથી ધોલધપાટ કરીને ઉઠક બેઠક કરાવી

યુવકે ડિનર માટે મેસેજ કર્યો હોવાની જાણ યુવતીના ભાઈને થઈ ગઈ હતી. જે બાદ તેણે ઑફિસમાં બોલાવીને યુવકને ભદ્દી-ભદ્દી ગાળો ભાંડી અને યુવતીની સામે જ યુવકને બેન-બેન બોલાવીને ઉઠક-બેઠક કરાવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Feb 2026 09:38 PM (IST)Updated: Tue, 17 Feb 2026 09:38 PM (IST)
vadodara-viral-video-youth-given-talibani-punishment-on-valentines-day-police-detain-two
HIGHLIGHTS
  • હરકતમાં આવેલી પોલીસે બન્ને યુવકોની અટકાયત કરીને કાયદાના પાઠ ભણાવ્યા
  • માર ખાનાર યુવકે મનદુઃખમાં બનાવ બન્યો હોવાથી ફરિયાદ નોંધાવવાનો ઈન્કાર કર્યો

Vadodara: વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કૉમ્પલેક્સની ઑફિસમાં વેલેન્ટાઈન ડેના દિવસે એક યુવકને ચાર થી પાંચ ઈસમો દ્વારા બેરહેમીથી ફટકાર્યો હતો. યુવતીની નજર સામે જ યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે બે યુવકોની અટકાયત કરી છે.

યુવકે ડિનર માટે મેસેજ કરતાં યુવતીના ભાઈને જાણ થઈ ગઈ
વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં યુવક અને યુવતી વચ્ચે ફ્રેન્ડશિપ હોવાથી બન્ને મોબાઈલ પર મેસેજ થકી વાતચીત કરતાં હતા. જેના પરિણામે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

વેલેન્ટાઈન ડેના રોજ યુવકે યુવતીને ડિનર માટે મેસેજ કર્યો હતો. આ બાબતની જાણ યુવતીના ભાઈને થઈ જતાં તે ઉશ્કેરાયો હતો. યુવતીના ભાઈએ યુવકને અકોટા વિસ્તારના એક કોમ્પલેક્સની ઑફિસમાં બોલાવ્યો હતો. જ્યાં યુવતી પણ પહેલાથી હાજર હતા.

જ્યાં યુવતીના ભાઈ સહિત તેના 4 થી 5 મિત્રોઓ યુવકને ઘેરી લીધો હતો. જે બાદ ભદ્દી ગાળો ભાંડતા-ભાંડતા તમાચાનો વરસાદ વરસાવી દીધો હતો. આ દરમિયાન એક યુવક હાથમાં લાકડી લઈને આવ્યો અને યુવક પર તૂટી પડ્યો હતો. ખાસ વાત એ છે કે, આ સમયે યુવતી પણ ઑફિસમાં જ ઉપસ્થિત હતી. ભાઈઓની સામે યુવતીએ પણ યુવકને ગાલ પર તમાચા ઝીંકી દીધા હતા.

આટલું જ નહીં, યુવતીના ભાઈ સહિતના મિત્રોએ યુવકને યુવતીની સામે ઉભો રાખીને 'બેન-બેન' બોલતા ઉઠક બેઠક કરાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો હતો. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે ભોગ બનનાર યુવકને આઈડેન્ટીફાઈ કરીને પૂછપરછ કરી હતી.

જો કે યુવકે ફરિયાદ નોંધાવવાનો ઈનકાર કરી દીધો હતો અને જૂના મિત્રો વચ્ચે મનદુઃખના કારણે પોતાને માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ. આમ છતાં વાયરલ વીડિયોના આધારે અકોટા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરીને 2 યુવકની અટકાયત કરીને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

પોલીસે પાઠ ભણાવતા ભાઈનું 'ભાઈગિરીનું ભૂત' ઉતરી ગયું
પોલીસ દ્વારા અટકાયતી પગલા લીધા બાદ બન્ને યુવકોનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, અમે નાનપણના મિત્રો જ છીએ અને સાથે જ કૉલેજમાં અભ્યાસ કરીએ છીએ. નાની બાબતમાં ગેરસમજ થતાં યુવક અને અમારી વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને પગલે અમે તેને ઑફિસમાં બોલાવીને માર્યો હતો.

જે બાદ અમારા પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે અમને કાયદાનું ભાન કરાવ્યું છે. આથી અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ અને ભવિષ્યમાં અમારાથી આવી બીજી કોઈ ભૂલ નહીં થાય તેવી બાંહેધરી આપીએ છીએ. જ્યારે પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.