Vadodara Crime News: સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ રસ્તા પર ઝઘડા અને મારામારીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં એક યુવક પર ધાતક હુમલો થયો છે, જ્યારે સમા વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક ઝઘડો થયો હતો.
સયાજીગંજમાં અદાવતમાં યુવક પર હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, સયાજીગંજ વિસ્તારમાં આવેલા મહારાજા નગર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલા આદર્શ શ્રીરામ પટેલ નામના યુવકને રસ્તામાં રોકી કેટલાક લોકોએ કામ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. તકરાર ઉગ્ર બનતાં હુમલાખોરોએ ધારદાર હથિયાર વડે આદર્શ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવકને તેના મિત્રો તાત્કાલિક બાઈક પર બેસાડી સારવાર અર્થે એસએસજી (SSG) હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ હુમલાનો આક્ષેપ અરુણ સૂર્યવંશી અને તેની બહેન સુનિતા પર લાગ્યો છે, જેઓ રણજીતનગર-પરશુરામ ભટ્ઠા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સમાના વિજયનગરમાં પાર્કિંગ બાબતે સશસ્ત્ર ધીંગાણું
બીજી તરફ, વડોદરાના સમા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં વાહન પાર્ક કરવા જેવી ક્ષુલ્લક બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વાડી પોલીસ સ્ટેશનના એક હોમ ગાર્ડ જવાન સહિત સ્થાનિક લોકો સામસામે આવી ગયા હોવાનું દેખાય છે.
વાયરલ વીડિયોમાં મહિલાઓ પણ એકબીજા પર હુમલો કરતી અને મારામારી કરતી જોવા મળી રહી છે. આ હિંસક ઝઘડામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થળ પર તંગદિલી સર્જાતાં પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી ઘટનામાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
