Vadodara LCB Raid: આગામી દિવાળીના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રહે તથા અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા ખાસ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય આદેશોના અનુસંધાને શહેરના તમામ પોલીસ સ્ટેશનો અને સર્વેલન્સ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એલ.સી.બી. ઝોન-04ની ટીમને બાતમીના આધારે એક મોટી સફળતા મળી છે.
બાતમીના આધારે સ્વાદ ક્વાર્ટર્સના મકાનમાં દરોડો
પ્રાપ્ત વિગતો અનુસાર, એલ.સી.બી. ઝોન-04ની ટીમ પોતાના વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન પોલીસ કર્મીઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વારસિયા વિસ્તારમાં આવેલા જાણીતા સંગમ સ્વાદ ક્વાર્ટર્સના મકાન નંબર 112માં રહેતી વિણાબેન પંચાલ બહારથી સ્ત્રીઓ તેમજ પુરુષોને પોતાના ઘરમાં બોલાવી રહી છે. આ બંધ મકાનની આડમાં લાંબા સમયથી પત્તા-પાનાનો હાર-જીતનો નશો અને જુગાર રમાડવામાં આવી રહ્યો છે, અને હાલમાં પણ ત્યાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમી રહ્યા છે.
આ બાતમી મળતાની સાથે જ એલ.સી.બી.ની ટીમ હરકતમાં આવી હતી અને પૂર્વ આયોજનબદ્ધ રીતે સ્વાદ ક્વાર્ટર્સના ઉપરોક્ત મકાન પર સરપ્રાઈઝ રેડ પાડી હતી. પોલીસની અચાનક થયેલી એન્ટ્રીથી જુગારના અડ્ડા પર ભારે નાસભાગ મચી ગઈ હતી.
7 મહિલાઓ અને 2 પુરુષો રંગેહાથ ઝડપાયા
પોલીસની રેડ દરમિયાન મકાનની અંદરથી પત્તા-પાના વડે રોકડ રકમ લગાવીને જુગાર રમી રહેલા 7 મહિલાઓ અને 2 પુરુષો સહિત કુલ 9 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપીયા 1,23,930 નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં પકડાયેલા કુખ્યાત આરોપીઓમાં મુખ્ય સંચાલક વિણાબેન ઉર્ફે મીના હિતેશભાઇ પંચાલ ઉપરાંત હિનાબેન પ્રકાશભાઇ કિશોરાણી, ભગવતીબેન હસમુખભાઇ પરમાર, મોનાબેન કિશનભાઈ ગોસ્વામી, દિપીકાબેન વિપુલભાઇ પરમાર, સોનલ મનોજભાઇ શર્મા, મનિષાબેન અનિલભાઇ નાનકાણી, અજયભાઇ ચંદુભાઇ પરમાર અને બલદેવભાઇ ગોંવિદભાઇ જાદવનો સમાવેશ થાય છે.
વારસિયા પોલીસ મથકે ગુનો દાખલ
ઝેડપી અને સ્વાદ ક્વાર્ટર્સ જેવા આવાસ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત આ પ્રકારે ચાલતા જુગારધામનો પર્દાફાશ થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પકડાયેલા તમામ 9 આરોપીઓ સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ કાયદેસરનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
