Vadodara Professor Property Dispute: વડોદરા તેમજ ગુજરાતની વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા એક દિવંગત ડૉક્ટરના નિધન બાદ તેમની કરોડો રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો મેળવવા માટે પત્ની, પુત્રી અને ઘરમાં કામ કરતી મહિલા વચ્ચે મોટો કાનૂની વિવાદ સર્જાયો છે. આ કેસમાં વર્ષ 2019માં ટ્રાયલ કોર્ટે પત્ની અને પુત્રીનો દાવો રદ કર્યો હતો, જેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવતા કોર્ટે સમગ્ર મામલો પુનઃ ટ્રાયલ કોર્ટમાં પરત મોકલીને ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
પત્ની-પુત્રીનો દાવો અને કામવાળી મહિલાનું રજિસ્ટર્ડ વિલ
પ્રાપ્ત વિગતો અનુસાર, દિવંગત પ્રોફેસરના લગ્ન 1982માં થયા હતા અને સંતાનમાં એક પુત્રી છે. લગ્નજીવન દરમિયાન અણબનાવ વધતાં પ્રોફેસરે અદાલતમાં છૂટાછેડા માટે દાવો કર્યો હતો, જ્યારે પત્નીએ ભરણ-પોષણની માગણી કરતાં અદાલતે માસિક રૂપિયા 4000 ચૂકવવાનો હુકમ કર્યો હતો. દરમિયાન, વર્ષ 2010માં ડૉક્ટરનું અવસાન થતાં સંપત્તિનો વિવાદ વકર્યો હતો.
પત્ની અને પુત્રીએ કાયદેસરના વારસદાર તરીકે ગ્રેજ્યુએટી, પીએફ, પેન્શન, એલઆઈસી પૉલિસી તેમજ વડોદરાના પ્રતાપનગર, નિઝામપુરા અને માંજલપુર વિસ્તારમાં આવેલી ત્રણ સ્થાવર મિલકતો પર પોતાનો હક હોવાનો દાવો કર્યો હતો. બીજી બાજુ, કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રોફેસર સાથે રહેતી અને તેમની સેવા-ચાકરી કરતી કામવાળી મહિલાએ દાવો કર્યો કે પ્રોફેસરે પોતાની હયાતીમાં સબ-રજિસ્ટ્રાર સમક્ષ કાયદેસરનું રજિસ્ટર્ડ વિલ કરીને તમામ મિલકતો તેના નામે કરી દીધી છે. આ દાવાને સમર્થન આપવા માટે વીડિયો-ડીવીડી પુરાવા પણ રજૂ કરાયા છે, તેમજ એલઆઈસી અને બિરલા સન લાઈફની પૉલિસીમાં પણ તે મહિલાનું નામ નોમિની તરીકે હોવાનો આક્ષેપ છે.
ટ્રાયલ કોર્ટનો ચૂકાદો અને સેશન્સ કોર્ટના આદેશથી નવો વળાંક
અગાઉની સુનાવણી દરમિયાન પત્ની કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યા બાદ ઉલટતપાસ માટે હાજર ન રહેતાં કોર્ટે પુરાવા રજૂ કરવાનો હક બંધ કરી દીધો હતો અને પૂરતા પુરાવાના અભાવે ટ્રાયલ કોર્ટે પત્ની-પુત્રીનો મૂળ દાવો રદ કર્યો હતો. આ ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવતાં કોર્ટે અપીલ મંજૂર કરીને કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડ પર મોકલ્યો છે.
આ કેસમાં રાજ્ય સરકાર, કોલેજના ડીન, પીએફ કમિશનર, વીમા કંપનીઓ અને કામવાળી મહિલાને પ્રતિવાદી બનાવાયા છે. સરકારી વિભાગો અને વીમા કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેકોર્ડ પરના દસ્તાવેજો અને કાયદેસરના નોમિનેશન મુજબ અદાલતના અંતિમ આદેશનું પાલન કરવા સંપૂર્ણપણે તૈયાર છે. આગામી દિવસોમાં આ મિલકત વિવાદને લઈને ટ્રાયલ કોર્ટમાં નવેસરથી કાનૂની લડાઈ ખેલાશે.
