Vadodara News: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી ઘટના વાઘોડિયા રોડ પર બની છે. ગણેશ વિસર્જન દરમિયાન થયેલી મામૂલી બોલાચાલીની અદાવતમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આ લોહિયાળ હુમલામાં ચાર યુવકો ઈજાગ્રસ્ત થયા છે.
ગણેશ વિસર્જન બાબતે ખાર રાખી હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કબીરનગર વિસ્તારમાં રહેતા જયપ્રકાશ વૈજનાથ કેવટને ગણપતિ ઉત્સવ દરમિયાન સ્થાનિક યુવકો સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ જૂની અદાવતનો ખાર રાખીને સામા પક્ષે બહારથી અસામાજિક તત્વોને બોલાવી રસ્તામાં ઘેરાબંધી કરી હતી. નારાયણ ચોકડીથી ડી-માર્ટ તરફ જતાં મુખ્ય માર્ગ પર ગાજરાવાડીના આકાશ અને સન્ની નામના યુવકોએ પોતાના સાગરીતો સાથે મળીને જયપ્રકાશ પર ચાકુથી આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
હિંસક ઝઘડામાં 3 યુવકો ઈજાગ્રસ્ત
આ હિંસક ઝપાઝપીમાં જયપ્રકાશ સહિત અન્ય ત્રણ મિત્રોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત જયપ્રકાશને સારવાર અર્થે સયાજી (SSG) હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા સમયસર યોગ્ય આઇસીયુ કે ઇમરજન્સી સારવાર આપવામાં આવી નહોતી. દર્દીની કથળતી સ્થિતિ જોઈને આખરે પરિવારે તેને તાત્કાલિક પાણીગેટ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી
બીજી તરફ, આ ઘટના સંદર્ભે પીડિત પરિવારે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરતાં મુખ્ય આરોપીઓ આકાશ અને સન્નીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ અન્ય સાગરીતોની શોધખોળ કરી રહી છે, જ્યારે પરિવારજનોએ આ કેસમાં તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે.
