વડોદરાવાસીઓ ધ્યાન આપે: મેન્ટેનન્સ કામગીરીના પગલે આગામી 5 દિવસ આ વિસ્તારોમાં રહેશે 4 કલાકનો વીજકાપ, જાણો

વડોદરા શહેરમાં આગામી પાંચ દિવસ સુધી વીજકાપની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે વડોદરાવાસીઓને પોતાના કામો સમયસર પૂરા કરી લેવાની તાકીદ કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 10:07 AM (IST)Updated: Sun, 27 Sep 2026 10:07 AM (IST)
vadodara-power-cut-schedule-28-september-to-3-october-mgvcl-maintenance-news

Vadodara Power Cut News: વડોદરા શહેરમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને જરૂરી સમારકામ તથા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. MGVCL ની સત્તાવાર નોટિસ મુજબ, આગામી 28, 29, 30 સપ્ટેમ્બર તેમજ 1 અને 3 ઓક્ટોબરના રોજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ સવારે 6:00 થી 10:00 કલાક સુધી એમ કુલ 4 કલાક માટે વીજ પુરવઠો કામચલાઉ ધોરણે બંધ રાખવામાં આવશે.

કયા કયા વિસ્તારોમાં વીજકાપ

તંત્ર દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, 28 સપ્ટેમ્બરના રોજ અટલાદરા પ્રથમ ઉપવન વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. ત્યાર બાદ 29 સપ્ટેમ્બરના રોજ વાસણા માઈલ સ્ટોન ફિડર અને વેમાલી એનિમલ ફિડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે. 30 સપ્ટેમ્બરના રોજ અકોટા-સ્ટેડિયમ ફિડર, અટલાદરા ચાણક્ય ફિડર, વાસણા રાધેશ્યામ ફિડર અને લક્ષ્મીપુરા સોમનાથ ફિડર હેઠળ આવતા વિસ્તારોને વીજકાપની અસર થશે.

MGVCL દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા

આગળની કામગીરી અંતર્ગત 1 ઓક્ટોબરના રોજ વાસણા-સ્વીપીંગ ફિડર અને વેમાલી મધુવન ફિડર વિસ્તારમાં તેમજ ૩ ઓક્ટોબરના રોજ અટલાદરા જગન્નાથ ફિડર હેઠળના વિસ્તારોમાં સવારે 4 કલાક માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. MGVCL દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિર્ધારિત સમારકામની કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો તુરંત જ પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે.

નાગરિકોને કરવામાં આવી અપીલ

સવારના સમયે જ 4 કલાક વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી નાગરિકોને પાણી ભરવા, ઘરકામ તેમજ અન્ય દૈનિક કાર્યોનું આયોજન સમયસર કરી લેવા જણાવાયું છે. આ ઉપરાંત, વીજકાપ દરમિયાન ઘરમાં રહેલા સંવેદનશીલ વીજ ઉપકરણો બંધ રાખવા અથવા તેમની સ્વિચ ઓફ રાખવા અંગે તંત્ર દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે, જેથી વીજ પુરવઠો પુનઃ શરૂ થતી વખતે કોઈ નુકસાન ન થાય. MGVCL દ્વારા આ જરૂરી સમારકામની કામગીરી દરમિયાન નાગરિકોને પૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.