Vadodara News: વડોદરા શહેરમાં આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે વિવિધ ધાર્મિક સ્થળો અને મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટવાની શક્યતા છે. વિશેષ કરીને ગોત્રી વિસ્તારમાં આવેલ હરિનગર સ્થિત ઈસ્કોન મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિક વ્યવવસ્થા ખોરવાય નહીં અને નાગરિકોને અગવડ ન પડે તે હેતુસર વડોદરા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આ અંગેનું એક અધિકૃત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ આજરોજ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ સાંજના 7 વાગ્યાથી લઈને જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અને ભીડ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી છે.
આ પણ વાંચો
મંદિર આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂટ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી પોતાના સ્થાન સુધી પહોંચી શકે. તંત્ર દ્વારા લેવાયેલા આ સુરક્ષાત્મક ડાયવર્ઝનના કારણે ઉત્સવના માહોલ વચ્ચે પણ વ્યવસ્થિત ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.
બીજી તરફ, સામાન્ય નાગરિકો માટે વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વની છૂટછાટ પણ આપવામાં આવી છે. પોલીસના જાહેરનામાની સ્પષ્ટતા મુજબ, આ ટ્રાફિક પ્રતિબંધોમાંથી ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા વાહનો તેમજ સરકારી કાયદો અને વ્યવસ્થા સંભાળતી પોલીસ વેન અને સુરક્ષા દળોના વાહનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. તહેવારના આ પર્વ ટાણે કોઈ પણ નાગરિકને અસુવિધા ન સર્જાય અને કાનૂની વ્યવસ્થા સુચારૂ તેમજ અવિરત પણે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક જોવા મળી રહ્યો છે.
ઇસ્કોન મંદિર આસપાસ કયા રસ્તાઓ પર પ્રતિબંધ?
પ્રતિબંધિત માર્ગ: હરીનગર બ્રિજ નીચેથી ઇસ્કોન મંદિર થઈને ઇસ્કોન સર્કલ (વોર્ડ નં-11 સર્કલ) તરફ જઈ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા: હરીનગર બ્રિજ નીચેથી ESI દવાખાના ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી, સારાબાઇ કોલોની ESI દવાખાના થઈ, ધ નેસ્ટ ચાર રસ્તાથી ડાબી/જમણી બાજુ વળી, જે તે તરફ જઈ શકાશે.
પ્રતિબંધિત માર્ગ: ઇસ્કોન સર્કલ (વોર્ડ નં-11 સર્કલ) થી ઇસ્કોન મંદિર થઈને હરીનગર બ્રિજ તરફ જઈ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા: ઇસ્કોન સર્કલ (વોર્ડ નં-11) થી ગોકુળ પાર્ટી રોડ થઈ ધ નેસ્ટ ચાર રસ્તાથી જમણી બાજુ વળી ESI દવાખાના ત્રણ રસ્તા થઈ જે તે તરફ જઈ શકાશે.
પ્રતિબંધિત માર્ગ: શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તાથી (દિવાળીપુરા કોર્ટ પાછળના રોડ) ઇસ્કોન મંદિર તરફ જઈ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા: શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તા, ગદાપુરા, અમીન સ્કુલ થઈ, પંજાબ નેશનલ બેંક ત્રણ રસ્તાથી જે તે તરફ જઈ શકાશે. તેમજ મલ્હાર પોઇન્ટ, અરૂપદિપ થઈ જે તે તરફ પણ જઈ શકાશે.
પ્રતિબંધિત માર્ગ: પ્રથમ એવન્યુ ચાર રસ્તાથી ઇસ્કોન મંદિર તરફ જઈ શકાશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા: પ્રથમ એવન્યુ ત્રણ રસ્તાથી ઇસ્કોન સર્કલ થઈ, જે તે તરફ જઈ શકાશે.
