Vadodara News: વડોદરા શહેરના છાણી જકાતનાકા નજીક આવેલા ટી.પી. 13 વિસ્તારમાં સ્થાનિક શાંતિ, સલામતી અને સામાજિક સમરસતા જાળવી રાખવાના હેતુથી રહીશોએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે, સમગ્ર TP-13 વિસ્તારને તાત્કાલિક અસરથી ‘નિર્દિષ્ટ વિસ્તાર’ એટલે કે અશાંતધારા (Disturbed Areas Act) હેઠળ આવરી લેવામાં આવે.
અશાંતધારો લાગૂ કરવામી રહીશોની માંગ
છેલ્લા 25 વર્ષથી શાંતિપૂર્ણ વાતાવરણ ધરાવતા આ વિસ્તારમાં તાજેતરમાં બનેલી અસામાજિક ઘટનાઓ અને વસ્તીવિષયક બદલાવને કારણે રહીશોમાં ભારે ચિંતા વ્યાપી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હોમાઈ વ્યાારાવાલા ઉદ્યાન ખાતે મહિલાઓ અને દીકરીઓ સામે અસભ્ય વર્તનની ઘટનાઓ સામે આવી છે. આ ઉપરાંત, દક્ષિણામૂર્તિ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનો ઊભી કરવાનો પ્રયાસ થયો હતો. ભૂતકાળમાં ડિંગ ડોંગ ચોકડી પાસે ગણેશ મહોત્સવ દરમિયાન પથ્થરમારો થયો હતો, જ્યારે વેદા સ્કીમ પાસે પાર્કિંગ બાબતે થયેલી હિંસક મારામારી અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો.
60 સોસાયટીના રહીશોએ રેલી યોજી
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આજે વિસ્તારની 60થી વધુ સોસાયટીના રહીશો અકોટા સયાજી નગરગૃહ ખાતે એકત્રિત થયા હતા. ત્યાંથી હાથમાં બેનરો, પોસ્ટરો સાથે અને ‘જય શ્રીરામ’ના નારા સાથે કલેક્ટર કચેરી સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. રહીશો દ્વારા કરવામાં આવેલા કમર્શિયલ અને રેસિડેન્શિયલ સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
સર્વેમાં થયો મોટો ખુલાસો!
સર્વે અનુસાર, મારુતીધામ, આકાશ, સારથી કોમ્પ્લેક્ષ, પામ એવેન્યુ, કાન્હા પ્લેટિનમ અને જય માતાજી ટાઉનશીપ સહિતની 54થી વધુ કમર્શિયલ દુકાનોમાં ખરીદ-વેચાણ કે ભાડાપટ્ટા દ્વારા અન્ય ધર્મના લોકોનો કબજો વધ્યો છે. રહેણાંક ક્ષેત્રે પણ વેદા સ્કીમ, સંસારા સ્કીમ અને સારથી ફ્લેટ જેવી મિલકતોમાં ઝડપી ડેમોગ્રાફિક ફેરફારો નોંધાયા છે.
સ્થાનિક રહીશોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે, આ તમામ અસામાજિક બનાવોની તટસ્થ તપાસ કરવામાં આવે. સાથે જ, TP-13 વિસ્તારમાં કોઈપણ મિલકત ખરીદ-વેચાણ કે ભાડાપટ્ટે આપતા પહેલા કલેક્ટર કચેરીની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે, જેથી વિસ્તારની સુલેહ-શાંતિ અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે.
