વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ: 'કેસૂડાં' થીમ સાથે 70 હજાર ખેલૈયાઓ રમી શકશે ગરબા, અંગદાન જાગૃતિનો અનોખો સંદેશ

વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) 2026માં 'કેસૂડાં' થીમ પર 70 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમશે. જાણો નવલખી ગ્રાઉન્ડના ખાસ આકર્ષણો, નવા 4 ગરબા, ડ્રેનેજ વ્યવસ્થા અને અંગદાન જાગૃતિ અભિયાન વિશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 03:53 PM (IST)Updated: Sun, 27 Sep 2026 03:53 PM (IST)
vadodara-navratri-festival-2026-flame-of-the-forest-kesuda-theme-organ-donation-awareness

Navratri 2026: નવરાત્રી પર્વ નજીક આવતા જ સંસ્કારી નગરી વડોદરાના યુવાધનમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના સુપ્રસિદ્ધ નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) દ્વારા આ વર્ષે ખેલૈયાઓ માટે ‘ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ - કેસૂડાં’ થીમ પર આધારિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું શનિવારે સત્તાવાર લોકાર્પણ કરાયું હતું.

70 હજાર ખૈલેયા ગરબે ઘૂમશે

આ વર્ષે સમગ્ર પરિસરને નારંગી રંગના વિવિધ શેડ્સ ધરાવતી પાંદડીઓ અને રોશનીથી સુસજ્જ કરાશે. ગ્રાઉન્ડમાં કેસૂડાંના 264 ભવ્ય ઝૂમખાં ખાસ આકર્ષણ જમાવશે. લાઈક્રા કાપડમાંથી તૈયાર કરાયેલા એક-એક ઝૂમખાંની લંબાઈ 12 ફૂટ, પહોળાઈ 8 ફૂટ અને વજન આશરે 35 કિલોગ્રામ છે, જેમાં 11 શાખાઓ તથા 35 પાંદડીઓનો સમાવેશ થાય છે. છેલ્લા 12 વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થતા આ મહોત્સવમાં ગ્રાઉન્ડનો ઘેરાવો વધારાતાં આ વખતે 70 હજારથી વધુ ખેલૈયાઓ અને દર્શકો ઉમટી પડે તેવી શક્યતા છે.

4 નવા ગરબાઓની કરાશે રજૂઆત

સંગીતપ્રેમીઓ માટે આરોહી ગ્રૂપના ગૌતમ દબીર અને તેમની ટીમ દ્વારા ‘રાધા ખીલી છે રંગભીની રાત’, ‘રૂમઝૂમ કરતી આવી માડી’, ‘કાનજી કાળો ને ગોરી ગોવાલણ’ અને ‘મા તું 14 ભુવનમાં રહેતી’ જેવા 4 તદ્દન નવા ગરબાઓ રજૂ કરાશે. આ ઉપરાંત, ખેલૈયાઓને ઇન્ટર્વલ પહેલાં મા દુર્ગાની એક વધારાની ખાસ સ્તુતિ સાથે કુલ બે સ્તુતિ સાંભળવાનો ભક્તિમય લહાવો મળશે.

માતાજીની આરાધનાની સાથે આ મંચ પરથી ‘અંગદાન જાગૃતિ’નો સામાજિક સંદેશ પણ આપવામાં આવશે. ગ્રાઉન્ડ પર આ માટે ખાસ સેલ્ફી ઝોન અને પ્રોપ્સ ઊભા કરાશે. સુરતના પદ્મશ્રી એવોર્ડ વિજેતા નિલેશ માંડલેવાલા પણ આ જાગૃતિ અભિયાનમાં ખાસ ઉપસ્થિત રહેશે.

ડ્રેનેજ વ્યવસ્થા ગ્રાઉન્ડ પર ઊભી કરાઈ

ખેલૈયાઓની મજા બગડે નહીં તે માટે વરસાદી પાણી ગણતરીની મિનિટોમાં નિકાલ થઈ જાય તેવી આધુનિક ડ્રેનેજ વ્યવસ્થા ગ્રાઉન્ડ પર ઊભી કરાઈ છે. આયોજક મયંક પટેલ, દિલીપ શાહ, સત્યેન કુલાબકર, ગૌતમ દબીર તેમજ ડિઝાઇનર શૌર્ય પટેલ અને ડેક્સ્ટર ફર્નાન્ડિસની હાજરીમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં જણાવાયું હતું કે, VNFની તર્જ પર આ વર્ષથી અમદાવાદ નવરાત્રી ફેસ્ટિવલનું પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.