વડોદરા: સયાજી હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવનાર દર્દીનું મોત, એમ્બ્યુલન્સ ચાલક ગંભીર

વડોદરાની સયાજી હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવનાર 33 વર્ષીય દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં નીચે ઉભેલા એમ્બ્યુલન્સ ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 03:44 PM (IST)Updated: Sat, 10 Oct 2026 03:44 PM (IST)
vadodara-ssg-hospital-patient-jumps-fourth-floor-suicide-ambulance-driver-injured

Vadodara News: સયાજી હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત કરવા માટે છલાંગ લગાવનાર 33 વર્ષીય દર્દીનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. ગઈકાલે બનેલી આ સનસનાટીભરી ઘટનામાં નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પર દર્દી પટકાતાં બંને ગંભીર રીતે ઘવાયા હતા. હાલ નિર્દોષ એમ્બ્યુલન્સ ચાલકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક જ દિવસમાં બે વાર આપઘાતનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, વડોદરાના કિશનવાડી વિસ્તારના શાસ્ત્રીનગરમાં રહેતા 33 વર્ષીય હિતેશ રોહિતે ગઈકાલે એક જ દિવસમાં બે વખત જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. માનસિક રીતે અસ્વસ્થ હિતેશે સવારે પોતાના ઘરે હાથમાં બ્લેડ મારી નસ કાપી નાખી હતી. જેથી લોહીલુહાણ હાલતમાં તેની પત્ની અને પરિજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.

હકીકતમાં, હિતેશ પરિણિત હતો અને તેને એક પુત્રી છે. તે હાલ બેરોજગાર હતો અને છેલ્લા બે દિવસથી તેની માનસિક સ્થિતિ સ્થિર ન હતી. તે સતત એવું કહેતો હતો કે

મારે ઘરમાં નથી આવવું, મને બે-ત્રણ જણા દેખાય છે.

પરિજનોના જણાવ્યા અનુસાર ઘરમાં કોઈ ઝઘડો ન હોવા છતાં તેણે આ પગલું ભર્યું હતું.

લિફ્ટ તરફ દોડીને ચોથા માળે પહોંચ્યો અને મારી છલાંગ

સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં (NCOT સર્જરી હેઠળ) હિતેશની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન પરિજનો અને મેડિકલ સ્ટાફની નજર ચૂકવીને હિતેશ અચાનક દોડીને લિફ્ટ તરફ ભાગ્યો હતો. ત્યાંથી દાદરા ચડીને તે હોસ્પિટલના ચોથા માળે પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી.

નિર્દોષ એમ્બ્યુલન્સ ચાલક પર પટકાયો

ચોથા માળેથી નીચે કૂદેલો હિતેશ નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર આવીને પડ્યો હતો. આ ઘટનામાં હિતેશને હાથ કાપવા ઉપરાંત પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બીજી તરફ, ભોગ બનેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશને કમરના ભાગે ગંભીર ઈજા થતાં મણકા તૂટી ગયા છે. હાલમાં ચાલકની સારવાર ચાલી રહી છે.