વડોદરા SSG હોસ્પિટલમાં દવાની ભારે અછત: 1,000માંથી 350 દવાઓ શોર્ટ સપ્લાય, દર્દીઓ હેરાન-પરેશાન

વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનાથી દવાની ઘેરી અછત સર્જાઈ છે. 1,000 માંથી 350 દવાનો શોર્ટ સપ્લાય થતાં ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ હેરાન થઈ રહ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 02:48 PM (IST)Updated: Thu, 01 Oct 2026 02:48 PM (IST)
vadodara-ssg-hospital-medicine-shortage-supply-gmscl-blood-pressure-diabetes-patients-face-issues

Vadodara News: મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી અને હજારો ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનાથી દવાની ગંભીર અછત સર્જાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં જરૂરી દવાની તીવ્ર અછત હોવાના કારણે સારવાર માટે આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

SSG હોસ્પિટલના RMOએ શું કહ્યું?

આ અંગે SSG હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે નિવેદન આપતા પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં વપરાતી કુલ 1,000 જેટલી વિવિધ દવાઓમાંથી આશરે 350 જેટલી દવાઓની અછત અથવા તો શોર્ટ સપ્લાય જોવા મળી રહી છે. ખાસ કરીને હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી અતિ મહત્વની અને રેગ્યુલર જરૂરી દવાઓની અછત વધુ ઘેરી બની છે. દર્દીઓની દૈનિક જરૂરિયાત સામે હાલ 25 થી 30 ટકા દવાની સીધી અછત વર્તાઈ રહી છે.

દવાની અછત પાછળ કારણ શું?

વડોદરાની આ સિવિલ હોસ્પિટલમાં વાર્ષિક રૂ. 30 કરોડથી પણ વધુ કિંમતની દવાઓનો વપરાશ થાય છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં જરૂરી તમામ દવાનો જથ્થો ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી GMSCL તરફથી દવાઓનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે.

દવાનો પુરવઠો પૂર્વવત્ત કરવા માંગણી

સરકાર તરફથી સમયસર દવાનો પુરવઠો ન પૂરો પડાતા, હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સગવડ ખાતર લોકલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે, જેથી દર્દીઓને બિનજરૂરી રખડપટ્ટી ન કરવી પડે. આ સિવાય હોસ્પિટલ પ્રશાસન દ્વારા પરિસ્થિતિથી સરકારને માહિતગાર રાખવા માટે દર મહિને દવાની અછત અને જરૂરિયાત અંગેનો વિગતવાર રિપોર્ટ પણ મોકલવામાં આવી રહ્યો છે.

સરકારી સપ્લાય ખોરવાઈ જતાં ગરીબ દર્દીઓને બહારથી મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પડી રહી છે. ત્યારે હોસ્પિટલમાં દવાનો પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.