Vadodara Navratri 202: વિશ્વભરમાં પ્રખ્યાત વડોદરા શહેરના ગરબા મહોત્સવને લઈને ખેલૈયાઓ અને યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી નજીક આવતાની સાથે જ વડોદરાના વિવિધ પ્રખ્યાત ગરબા ગ્રાઉન્ડ્સ આકર્ષક થીમ્સ અને અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ થઈ રહ્યા છે.
યુનાઈટેડ વે ઓફ બરોડામાં શું છે ખાસ?
અટલાદરા સ્થિત એમ. એમ. પટેલ ફાર્મ ખાતે આયોજિત 'યુનાઈટેડ વે ઓફ બરોડા'માં આ વર્ષે સરસ્વતી યંત્રની થીમ પર ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. દરરોજ 40,000થી વધુ ખેલૈયાઓ ગાયક અતુલ પુરોહિતના તાલે ઘૂમશે. પ્રમુખ તારક પટેલના જણાવ્યા મુજબ, આ વખતે ફિઝિકલ પાસ બંધ કરીને સંપૂર્ણ ઓનલાઈન ઈ-પાસ સિસ્ટમ અમલી બનાવી છે, જેમાં એપ્લિકેશન દ્વારા બારકોડ સ્કેન કરીને પ્રવેશ મળશે. 9 દિવસના સીઝન પાસના દર GST સાથે પુરુષો માટે ₹4,926 અને મહિલાઓ માટે ₹2,200 નક્કી કરાયા છે. ગરબાની તમામ આવક સામાજિક ચેરિટી કામોમાં વપરાય છે.
LVP હેરિટેજ ગરબા: ₹22,500નો કાર કોમ્બો
લક્ષ્મી વિલાસ પેલેસ (LVP) ખાતે સચિન અને અશિતા લિમાયેના સુરો વચ્ચે 30,000થી વધુ ખેલૈયાઓ ગરબે રમશે. અહીં ₹22,500ની કિંમતનો ‘Car Pool Combo’ પાસ વિશેષ આકર્ષણ બન્યો છે, જેમાં 2 પુરુષ, 2 મહિલાના સીઝન પાસ સાથે 1 કાર પાર્કિંગ મળશે. વ્યક્તિગત પાસના દર મહિલાઓ માટે ₹2,600 અને પુરુષો માટે ₹6,000 છે.
આ સિવાય, ₹10,620થી ₹14,750 સુધીના પ્રીમિયમ 'Utsav - The Royal Garba Experience' પાસ પણ રજૂ કરાયા છે. આ પાસ ધારકોને VVIP સીટિંગ, મહારાણી રાધિકારાજે ગાયકવાડની હાજરીવાળી મહાઆરતીમાં પ્રવેશ, VVIP ગેટ એન્ટ્રી, શટલ સર્વિસ, VIP ફૂડ વાઉચર અને પર્સનલ ગેસ્ટ રિલેશનશિપ એક્ઝિક્યુટિવ જેવી શાહી સુવિધાઓ મળશે.
VNF ગરબા: કેસુડાની થીમ, અંગદાન જાગૃતિ
વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) આ વખતે 'ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ - કેસુડા'ની થીમ પર યોજાશે, જેમાં કેસૂડાના 264 ભવ્ય ઝૂમખાં અને નારંગી રોશની જોવા મળશે. 45,000થી વધુ ખેલૈયાઓ માટેના આ આયોજનમાં આરોહી ગ્રૂપના ગૌતમ દબીર દ્વારા 4 નવા ગરબા અને 2 મહાસ્તુતિ રજૂ કરાશે. સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં ‘અંગદાન જાગૃતિ’ સેલ્ફી ઝોન પણ ઊભા કરાશે. વરસાદ પડે તો પણ તુરંત પાણી નિકાલ થઈ જાય તેવી ગ્રાઉન્ડ વ્યવસ્થા કરાઈ છે.
VNFમાં મહિલા પાસ ₹499, પુરુષ પાસ ₹3,000 અને સ્ટુડન્ટ પાસ ₹2,500 રાખવામાં આવ્યા છે. તમામ ગ્રાઉન્ડ પર પરંપરાગત પોશાક ફરજિયાત છે અને VNFમાં તિલક કર્યા વિના પ્રવેશ મળશે નહીં.
