Vadodara Navratri 2026: વડોદરાની ઓળખ સમગ્ર દેશ અને વિદેશમાં તેના અતિ ભવ્ય, સુરીલા અને પરંપરાગત ગરબા માટે પ્રખ્યાત છે. વડોદરાના ગરબા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પ્રાચીન સંસ્કૃતિ અને ભક્તિનું અદ્ભુત પ્રતીક છે. આ વર્ષે પણ નવરાત્રી પર્વને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના મુખ્ય બજારોમાં વિવિધ આકાર અને મનમોહક ડિઝાઇનની ગરબીઓનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
બજારમાં અવનવી ગરબીઓનું આકર્ષણ
આ પણ વાંચો
બજારમાં મળી રહેલી આ ગરબીઓ માત્ર સુશોભનનું સાધન નથી, પરંતુ તેમાં ધાર્મિક અને વૈદિક સંદર્ભો વણાયેલા છે. આ વર્ષે ખાસ કરીને 27 નક્ષત્ર, ચાર વેદ અને 108 બ્રહ્માંડની પ્રદક્ષિણા દર્શાવતી વિશિષ્ટ સંરચના વાળી ગરબીઓ તૈયાર કરવામાં આવી છે. ગરબીમાં કાળજીપૂર્વક કરવામાં આવેલા છિદ્રો અને તેની અંદર મુકાતો દીવો એ દર્શાવે છે કે મનુષ્યનું શરીર એક ગરબો છે અને તેની અંદર રહેલો આત્મા એ દીવાની જ્યોત સમાન છે.
મહિલાઓને મળ્યું રોજગારીનું સાધન
આ પ્રકારના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને કારીગરો દ્વારા ઝીણવટપૂર્વક માટીની ગરબીઓ કોતરવામાં આવી રહી છે, જેને જોવા અને ખરીદવા લોકો અત્યારથી જ બજારોમાં ભીડ જમાવી રહ્યા છે. આ પરંપરાગત વ્યવસાયનું બીજું સુંદર પાસું મહિલા સશક્તિકરણ છે. ગરબીઓ બનાવવાની અને તેને વિવિધ રંગો તથા આભલા-મોતીથી શણગારવાની કામગીરીથી સ્થાનિક મહિલાઓને મોટા પાયે રોજગારી મળી રહી છે.
દેશ વિદેશમાં ગરબીઓની ભારે માંગ
નવરાત્રી પૂર્વે શરૂ થતી આ મોસમી કામગીરીમાંથી મહિલાઓ સ્વાવલંબી બની પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહી છે. હાથથી કાળજીપૂર્વક કંડારેલી આ ગરબીઓની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ વિદેશમાં વસતા ભારતીઓમાં પણ રહે છે. વિદેશથી આવતા ખેલૈયાઓ અને મા અંબાના ભક્તો માટે વડોદરાની ગરબીઓ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહી છે.
ભવ્ય મંડપો અને શાનદાર ગરબા મહોત્સવો વચ્ચે પણ માટીની આ નાની ગરબીઓનું ધાર્મિક મૂલ્ય અકબંધ રહ્યું છે. આમ, સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રીનો આ ઉત્સવ ધાર્મિક આસ્થા, કલા-સંસ્કૃતિની જાળવણી અને મહિલા રોજગારીનો ત્રિવેણી સંગમ બનીને ઉભરી રહ્યો છે.
