વડોદરા SSG હોસ્પિટલમાં ICU બેડ ન મળતાં હોબાળો: 40 બેડ ફૂલ થતાં દર્દીઓ અટવાયા, RMOએ આપ્યો ખુલાસો

વડોદરાની SSG હોસ્પિટલમાં ICU બેડની ભારે અછતને કારણે ગંભીર દર્દીઓને મુશ્કેલી પડી રહી છે, જેનાથી પરિવારજનોમાં આક્રોશ છે. RMOએ જણાવ્યું કે 40 બેડ ભરેલા છે અને નવી ઇમારતમાં વધુ સુવિધાઓ ઉમેરવાની યોજના છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 22 Oct 2026 10:58 AM (IST)Updated: Thu, 22 Oct 2026 10:58 AM (IST)
vadodara-ssg-hospital-faces-critical-icu-bed-shortage

SSG Hospital ICU Bed Shortage: મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં આઈસીયુ બેડની ભારે અછત હોવાના આક્ષેપોને પગલે વાતાવરણ ગરમાયું છે. હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે આવતા દર્દીઓને સમયસર ICU બેડ ન મળતા તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ બેડ ન મળવાના કારણે બે દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

સયાજી હોસ્પિટલના RMOએ શું કહ્યું?

આક્ષેપો અને લોકોના રોષને પગલે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે અને પરિસ્થિતિ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલના મેડિકલ ICUમાં હાલ કુલ 40 બેડની સુવિધા ઉપલબ્ધ છે. દર્દીઓના ભારે ઘસારાને કારણે હાલમાં આ તમામ 40 બેડ ભરેલા છે, જેના કારણે નવા આવતા ગંભીર દર્દીઓને તાત્કાલિક ICU બેડ ફાળવવામાં મુશ્કેલી પડી રહી છે.

દર્દીઓના ભારણને લીધે બેડની અછત-RMO

ડો. હિતેન્દ્ર ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, SSG હોસ્પિટલ મધ્ય ગુજરાતનું મુખ્ય તબીબી કેન્દ્ર હોવાથી અહીં માત્ર વડોદરા કે આસપાસના જિલ્લાઓમાંથી જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં અત્યંત ગંભીર હાલતના દર્દીઓ રેફર થઈને આવે છે. ગંભીર દર્દીઓના સતત ભારણને કારણે ICU બેડની અછતની સ્થિતિ સર્જાય છે. તબીબો દ્વારા દરેક દર્દીને શક્ય તેટલી શ્રેષ્ઠ અને તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.

નવી ઈમારતમાં સુવિધાઓ વધારાશે

દર્દીઓની વધતી સંખ્યા અને આઈસીયુ બેડની કાયમી અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ભવિષ્યનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. તંત્રના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ પરિસરમાં બની રહેલી નવી ઇમારતમાં વધુ આઈસીયુ બેડની સુવિધા ઝડપથી ઊભી કરવામાં આવશે. નવી સુવિધા કાર્યરત થતાં જ દર્દીઓને મોટી રાહત મળશે અને બેડની અછતની સમસ્યા હલ થશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.