Vadodara Murder News: સંસ્કારી નગરી વડોદરામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સોમા તળાવ વિસ્તારમાં ગરબાના કાર્યક્રમ દરમિયાન એક પાર્ટી પ્લોટની બહાર 26 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
26 વર્ષીય યુવકની હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમા તળાવ ખાતે આવેલા એક પાર્ટી પ્લોટમાં બંજારા સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગરબા રમવા અને હાજરી આપવા માટે મોટી સંખ્યામાં લોકો અને ખેલૈયાઓ એકત્રિત થયા હતા. દરમિયાન, ગરબાના આયોજન વચ્ચે જ પાર્ટી પ્લોટની બહાર મુખ્ય રોડ પર 26 વર્ષીય નિલેશ બંજારા નામના યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકનું ગંભીર ઇજાઓને કારણે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસ કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતા જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી અભિષેક ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઘટના અંગે ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, "ગરબાના આયોજનની બહાર બનેલી આ ઘટના અંગે પ્રાથમિક તપાસમાં જૂની અદાવત હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાંઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે."
આરોપીને શોધવા તજવીજ
આ સનસનાટીભર્યા કેસને ઉકેલવા માટે વડોદરા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. કપુરાઈ પોલીસની સાથે LCB, DCB ની ટીમોએ પણ સમાંતર તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મૃતકના રહેઠાણ તથા તેના કામના સ્થળે થી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પોલીસ દ્વારા મૃતકના મોબાઈલ કોલ ડિટેઈલ્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ધરપકડ બાદ જ હત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
