Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ રણું સ્થિત મા તુલજા ભવાનીના મંદિરે આસો નવરાત્રીની પવિત્ર આઠમ પર્વે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આઠમના આ પવિત્ર દિવસે માતાજીના ખાસ દર્શન અને આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રણું ગામે ઉમટી પડ્યા હતા.
વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો
આ પણ વાંચો
મહાઅષ્ટમીના પાવન દિવસે દર્શનનો વિશેષ મહિમા હોવાથી મંદિર પરિસરમાં વહેલી સવારના ચાર વાગ્યાથી જ 'જય અંબે' અને 'જય તુલજા ભવાની'ના નાદ સાથે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. આઠમના દિવસે માં તુલજા ભવાનીના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની ગાઢ શ્રદ્ધાને કારણે ગુજરાત રાજ્ય ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા તથા દર્શન માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ગાયકવાડ પરિવારના પૌરાણિક ઘરેણાંનો અલૌકિક શણગાર
આઠમના પર્વનું મુખ્ય આકર્ષણ માતાજીનો વિશેષ શણગાર રહ્યો હતો. વડોદરાના સ્ટેટ સમયના ગાયકવાડ રાજપરિવાર દ્વારા મા તુલજા ભવાનીને અર્પણ કરવામાં આવેલા અમૂલ્ય અને પૌરાણિક સુવર્ણ ઘરેણાંનો શણગાર માતાજીને ધરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વર્ષ દરમિયાન માત્ર આઠમના એક જ દિવસે માતાજીને આ રાજવી ઘરેણાં પહેરાવવામાં આવે છે. આ સુવર્ણ અલંકારોમાં સજ્જ મા તુલજા ભવાનીનું સ્વરૂપ અત્યંત મનોહર અને તેજોમય લાગતું હતું, જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રદ્ધા અને ભક્તિમય વાતાવરણ
સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં હોમ-હવન અને ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવશે અને મોડી રાત સુધી ભક્તોની અવરજવર ચાલુ રહેશે આજે સમગ્ર રણું ગામ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. આઠમના આ પાવન પ્રસંગે માતાજીના સુવર્ણ શણગાર દર્શન કરીને હજારો ભક્તોએ મનોકામના પૂર્તિ માટે શીશ નવમાવ્યું હતું.
