Vadodara News: વડોદરા નજીક મહિસાગર નદીના કિનારે આવેલા કોટણા બીચનો રાજ્ય સરકાર દ્વારા રૂ. 5 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. આ વિકાસ કાર્યના ભાગરૂપે કોટણા બીચને પ્રવાસીઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કોટણા બીચના વિકાસ અંગે ચર્ચા
આ અંગે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં કોટણા બીચના વિકાસ માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ બીચના કુદરતી સૌંદર્ય અને પર્યાવરણીય વિશેષતાઓ જળવાઈ રહે તે બાબતને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.
પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ બીચ ખાતે પ્રવાસીઓ માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઊભી કરવા ઉપરાંત આવન-જાવન માટેના માર્ગ અને વાહનોના પાર્કિંગ સહિતની જરૂરી સુવિધાઓના આયોજન અંગે સ્થપતિને સૂચનાઓ આપી હતી. વિકાસકાર્ય દરમિયાન સ્થળની કુદરતી વિશેષતાઓને નુકસાન ન થાય અને પ્રવાસીઓને સુખદ અનુભવ મળે તે મુજબ આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
સ્થપતિ દ્વારા કોટણા બીચના વિકાસ માટેનું વિસ્તૃત આયોજન રજૂ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પ્રવાસીઓ માટે જરૂરી ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ આયોજનથી કોટણા બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થવાની સાથે સ્થાનિક સ્તરે પ્રવાસન પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
