Vadodara News: વડોદરા શહેરમાં નશાના કાળા કારોબાર સામે વડોદરા SOG પોલીસે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. SOG ની ટીમે રણોલી ગામમાં દરોડો પાડીને રૂ. 20.91 લાખથી વધુની કિંમતનો ગેરકાયદેસર નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ ટીમે 103 ગ્રામ નશીલો જથ્થો જપ્ત કર્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુપ્ત બાતમીના આધારે SOG ની ટુકડીએ રણોલી ગામ સ્થિત એક અડ્ડા પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી 103 ગ્રામ કિંમતી હેરોઇન અને પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે તુરંત જપ્ત કર્યો હતો.
પંજાબનો શખ્સ પોલીસની પકડમાં આવ્યો
આ મામલે પોલીસે મૂળ પંજાબના વતની અને હાલ વડોદરાના રણોલી ખાતે રહેતા સતનામસિંઘ નિરંજનસિંઘ જાટ નામના શખ્સની રંગેહાથ ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ટ્રક ડ્રાઇવરોને છૂટકમાં હેરોઇનની નાની પડીકીઓ અને પોષડોડાનો ભુક્કો વેચવાનો ગેરકાયદે કાળો કારોબાર ચલાવતા હતા.
મુખ્ય આરોપી ફરાર થવામાં સફળ રહ્યો
જોકે, આ સમગ્ર નેટવર્કમાં હેરોઇનનો માલ પૂરો પાડનાર મુખ્ય આરોપી પરગટસિંઘ અને એક અજાણ્યો ટ્રક ડ્રાઇવર દરોડા દરમિયાન ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને શહેર કે હાઇવે પર અન્ય કોને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
