Lemon Price Hike: દેશભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો માટે રસોડાનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. પહેલાં ડુંગળીના ઉંચા ભાવે લોકોને રડાવ્યા હતા, અને હવે લીંબુના ભડકે બળતા ભાવ ગ્રાહકોના મોંઢા ખાટા કરી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં લીંબુની આવક વધવાને કારણે ભાવ ઘટે છે અને તે લોકોની પહોંચમાં સસ્તા થતા હોય છે. પરંતુ આ વર્ષે વડોદરા શહેરના શાકભાજી માર્કેટમાં ચિત્ર સાવ ઊલટું જોવા મળી રહ્યું છે.
છૂટક બજારમાં લીંબુ ₹200 પ્રતિ કિલો
ચોમાસાની સિઝનમાં જ લીંબુના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવતા છૂટક બજારમાં લીંબુ સીધા ₹200 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં લીંબુના ભાવમાં પ્રતિ કિલો રૂ. 50નો જંગી વધારો નોંધાયો છે. અગાઉના સમયમાં છૂટક બજારમાં લીંબુ રૂ. 80થી 120 પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, પરંતુ આ વખતે ₹200નો આંકડો વટાવી જતાં ભાવવધારાના અગાઉના તમામ રેકોર્ડ તૂટ્યા હોય તેવું પ્રતીત થાય છે.
ગૃહિણીઓ અને હોટલ સંચાલકો મુશ્કેલીમાં
ડુંગળી બાદ લીંબુની આ કમરતોડ મોંઘવારીના કારણે સામાન્ય ગૃહગૃહસ્થીઓ અને હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. શાકભાજીની થાળીમાં સ્વાદ અને વિટામિન સીનો મુખ્ય સ્રોત ગણાતા લીંબુ હવે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહ્યા છે.
આવક ઘટતા ભાવ બેકાબૂ
બજારના જાણકારો અને સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વાર્ષિક આશરે 6 લાખ ટન જેટલું માતબર લીંબુનું ઉત્પાદન થાય છે. આમ છતાં, અગાઉ કમોસમી વરસાદ, માવઠા અને હવામાનની વિપરીત અસરના કારણે બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું. જેના પરિણામે હાલ સ્થાનિક વેપારીઓ પાસે માલની આવક ઘટી છે અને સપ્લાય ચેઈનમાં અસમતુલા સર્જાતાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે.
