Bank Strike News: વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં આજે જાહેર ક્ષેત્રની બેંકોના કામકાજ પર ગંભીર અસર જોવા મળી હતી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ ના આહ્વાન પર બેંક કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે એક દિવસની દેશવ્યાપી હડતાળ પાડી હતી. સંસ્થામાં લગભગ 90 ટકા પ્રતિનિધિત્વ ધરાવતા કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાતાં વડોદરાની આશરે 800 શાખાઓમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરાના 8 હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
આ આંદોલનના ભાગરૂપે વડોદરાના સયાજીગંજ સ્થિત બેંક ઓફ બરોડાની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા. વિરોધકર્તાઓએ કેન્દ્રીય નાણાં મંત્રાલયની નીતિઓ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.વડોદરાના અંદાજે 8,000 કર્મચારીઓ ઉપરાંત સમગ્ર ગુજરાતના 70 થી 75 હજાર અને દેશભરના લગભગ 7 લાખ બેંક કર્મચારીઓ આ ચળવળમાં સક્રિયપણે જોડાયા હતા.
બેન્ક કર્મચારીઓની શું છે માંગણીઓ
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના સેન્ટ્રલ કમિટી અધ્યક્ષ કૈલાશ કેમકરે જણાવ્યું હતું કે, કર્મચારીઓની મુખ્ય માંગ અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ લાગુ કરવાની છે. આ સિવાય પેન્શન અપડેશન, ગ્રેચ્યુઈટીની મર્યાદા વધારવી, જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવી તથા નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ સરકાર તરફથી મળતા 4 ટકા લાભને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવી જેવી વિવિધ માંગણીઓ સામેલ છે. સાથે જ, નિવૃત્ત કર્મચારીઓના ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો ઉકેલ લાવવા અને પ્રોડક્ટિવિટી લિંક્ડ ઇન્સન્ટિવમાં થતા ભેદભાવ દૂર કરવાની પણ માગ કરવામાં આવી છે.
અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી
બેંક સંઘોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર સાથેની વાટાઘાટો આગામી સમયમાં સફળ નહીં રહે અને પડતર પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવામાં નહીં આવે, તો 26 સપ્ટેમ્બરથી તમામ કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી જશે.
