વડોદરામાં દશેરા પર્વે વાહનોની ખરીદીમાં રેકોર્ડ વૃદ્ધિ : 10 દિવસ 100 કરોડના વાહનો વેચાયાનો અંદાજ

વિજયા દશમીના શુભ દિવસે જ વાહન ખરીદીને ડિલિવરી મેળવવા ઘણા લોકોએ આગોતરા બુકિંગ કર્યું હતું. સવારથી જ શહેરના અલગ-અલગ શો રૂમોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 02 Oct 2025 03:40 PM (IST)Updated: Thu, 02 Oct 2025 03:40 PM (IST)
vadodara-sees-record-vehicle-sales-on-dussehra-eve

Vadodara News: વડોદરા શહેરમાં દશેરા પર્વે વાહનોની ખરીદીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. શહેરીજનોમાં નવરાત્રિ અને દશેરા પર્વે નવું વાહન ખરીદવાની પરંપરા હોય છે, જેને લઈને આ વર્ષે પણ વાહન શો રૂમોમાં ભારે ધસારો જોવા મળ્યો. વડોદરા આરટીઓ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા 10 દિવસ દરમિયાન અંદાજિત 100 કરોડથી વધુના વાહનો વેચાયા છે. જેમાં 5500 ટુ વ્હીલર, 2000 ફોર વ્હીલર, 500 થી વધુ થ્રી વ્હીલર તેમજ 300 જેટલા અન્ય વાહનોનો સમાવેશ થાય છે.

વિજયા દશમીના શુભ દિવસે જ વાહન ખરીદીને ડિલિવરી મેળવવા ઘણા લોકોએ આગોતરા બુકિંગ કર્યું હતું. સવારથી જ શહેરના અલગ-અલગ શો રૂમોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. એક જ દિવસમાં 2000 થી વધુ કાર અને 5500 ટુ વ્હીલર વાહનોનું વેચાણ થવાનું આંકડો આ વર્ષે ખાસ નોંધપાત્ર રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાહનોની ખરીદીમાં 25 ટકા જેટલો વધારો થયો હોવાનું શો રૂમ સંચાલકો જણાવી રહ્યા છે.

naidunia_image

વાહન શો રૂમ મેનેજર પ્રિયેશ ભટ્ટે જણાવ્યું હતું કે, તાજેતરમાં જીએસટીના દરમાં ઘટાડો થવાથી ગ્રાહકોને મોટો ફાયદો થયો છે. અગાઉ 28 ટકાનો દર હતો, જ્યારે હવે તે ઘટીને 18 ટકા થયો છે. જેના કારણે એક કાર પર આશરે એક લાખ રૂપિયા જેટલો ભાવ ઓછો થયો છે. આ સાથે જ કંપનીઓ તરફથી મળતા આકર્ષક ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકોને દ્વિગણો લાભ મળ્યો છે. ગત વર્ષે દિવાળી અને નવરાત્રિમાં સરેરાશ 60 ગાડીઓ વેચાતી હતી, જ્યારે આ વર્ષે અમે 100થી વધુ ગાડીઓનું વેચાણ થવાની અપેક્ષા રાખી રહ્યા છીએ.

વડોદરા શહેરમાં પેટ્રોલના ભાવ ઊંચા હોવા છતાં અને ભારે ટ્રાફિકની સમસ્યા વચ્ચે લોકો દ્વારા વાહનોની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો નથી. ખાસ કરીને ટુ વ્હીલર વાહનોમાં યુવાનો તેમજ મધ્યવર્ગીય પરિવારોની પસંદગી વધુ જોવા મળી રહી છે. બીજી બાજુ, ફોર વ્હીલર વાહનોની ખરીદીમાં પણ સારું વેચાણ નોંધાયું છે.

નવરાત્રી પર્વના માહોલ વચ્ચે દશેરા દિવસે થયેલા આ ભારે વેચાણથી વાહન ઉદ્યોગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વેપારીઓના મતે, આ વર્ષની વેચાણ વૃદ્ધિ આગામી તહેવારોમાં પણ યથાવત રહેશે અને વડોદરા શહેર વાહન બજારમાં નવો રેકોર્ડ બનાવશે.