વડોદરાના સમા વિસ્તારમાં કપિરાજનો આતંક: રેસ્ક્યુ કરવા ગયેલા વનકર્મી પર કર્યો હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મળતી વિગત અનુસાર, અગાઉ એક વાનરે નિઝામપુરા વિસ્તારમાં વૃદ્ધા પર હુમલો કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 25 Sep 2026 01:57 PM (IST)Updated: Fri, 25 Sep 2026 01:57 PM (IST)
vadodara-sama-monkey-attack-forest-department-employee-injured
વાનરનું રેસ્ક્યુ ટીમ ફાઈલ ઈમેજ

Vadodara Monkey Attack: વડોદરાના સમા વિસ્તારમાં હિંસક કપિરાજનો આતંક જોવા મળ્યો છે. નિઝામપુરામાં વૃદ્ધા પર હુમલો કર્યા બાદ આજે સમા વિસ્તારમાં આતંકખોર કપિરાજનું રેસ્ક્યુ કરવા ગયેલી વન વિભાગની ટીમ પર જ કપિરાજે અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં વન વિભાગના કર્મચારી મુકેશ તડવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં ગઈકાલે આ કપિરાજે એક વૃદ્ધા પર અચાનક હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘટના બાદ વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને હુમલાખોર કપિરાજને પકડીને પાંજરે પૂર્યો હતો. પરંતુ સમા વિસ્તારમાં અન્ય એક કપિરાજનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેથી વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

સમા વિસ્તાર ખાતે રેસ્ક્યુ કામગીરી દરમિયાન કપિરાજ અત્યંત આક્રમક બની ગયો હતો. રેસ્ક્યુ કરી રહેલા વન વિભાગના કર્મચારી મુકેશ તડવી પર કપિરાજે અચાનક ત્રાટકીને હુમલો કરી દીધો અને તેમના પગના ભાગે જોરથી બચકું ભરી લીધું હતું. આ હુમલાને કારણે મુકેશ તડવી રસ્તા પર ઢળી પડ્યા હતા અને તેમના પગમાંથી ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો.

ઘટનાસ્થળે હાજર અન્ય કર્મચારીઓ અને સ્થાનિકોએ તરત જ ઈજાગ્રસ્ત વનકર્મીને બચાવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુકેશ તડવીને તાત્કાલિક સયાજી હોસ્પિટલ (SSG) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં અન્ય કપિરાજોને ઝડપી પાડવા માટે પાંજરા મૂકીને રેસ્ક્યુ ઓપરેશન વધુ સઘન બનાવવામાં આવ્યું છે.