વડોદરામાં અશ્રુભીની આંખે બાપ્પાને ભાવભીની વિદાય: ‘અગલે બરસ તૂ જલ્દી આ’ના નારા સાથે 11 દિવસનો ગણેશોત્સવ સંપન્ન

વડોદરામાં અનંત ચતુર્દશીના પર્વે 11 દિવસના ગણેશોત્સવનું સમાપન થયું. ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ના નારા વચ્ચે ભક્તોએ બાપ્પાને ભાવભીની વિદાય આપી

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 02:35 PM (IST)Updated: Fri, 25 Sep 2026 02:35 PM (IST)
vadodara-ganesh-visarjan-anant-chaturdashi-11-day-ganeshotsav-ganpati-bappa-moriya

Vadodara Ganesh Visarjan 2026: વડોદરામાં 11 દિવસ સુધી શ્રદ્ધા, ઉમંગ અને ઉત્સાહભેર મહેમાન બનેલા વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આજે અશ્રુભીની આંખે ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન શહેરના વિવિધ સાર્વજનિક મંડળો, સોસાયટીઓ તેમજ ઘરોમાં દાદાની સ્થાપના કરીને વિધિવત પૂજા-અર્ચના, મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અનંત ચતુર્દશીના પવિત્ર પર્વે વડોદરા શહેર ભક્તિના રંગે રંગાયું છે અને ચારેય તરફ ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ના ગગનભેદી નારા ગૂંજી રહ્યા છે.

મનપા દ્વારા 12 કૃત્રિમ તળાવનું નિર્માણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે નવલખી મેદાન સહિત શહેરમાં 12 જેટલા વિશાળ કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ ગણેશ ભક્તો દ્વારા ઢોલ-નગારા, ડી.જે.ના તાલે અને ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. ખાસ કરીને નવલખી કૃત્રિમ તળાવ ખાતે સવારથી જ નાની-મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.

ભક્તોએ દાદાની અંતિમ આરતી ઉતારી

વિસર્જન સ્થળો પર ભક્તો દ્વારા દાદાની અંતિમ આરતી કરવામાં આવી હતી. ઉત્સવપ્રિય વડોદરાવાસીઓએ ખૂબ જ ભાવુક થઈને બાપ્પાને વિદાય આપી હતી. 11 દિવસ સુધી જે ઘરો અને પંડાલોમાં રોનક અને આનંદનો માહોલ હતો, ત્યાં આજે બાપ્પાને વિદાય આપતાં શ્રદ્ધાળુઓની આંખો ભીંજાઈ ગઈ હતી. દાદાના પ્રિય મોદક અને લાડુનો ભોગ ધરાવીને ભક્તોએ આવતા વર્ષે ફરી વહેલા પધારવાનું નિમંત્રણ આપ્યું હતું.

11 દિવસનો ગણેશોત્સવ થયો સંપન્ન

શહેરમાં વિસર્જન યાત્રાઓ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પાલિકા તંત્ર અને વડોદરા શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત તેમજ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કૃત્રિમ તળાવો પર ક્રેન, તરવૈયા, ફાયર બ્રિગેડની ટીમ અને પૂરતો પ્રકાશ પૂરો પાડતી લાઈટોની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેથી ભક્તો સુરક્ષિત રીતે વિસર્જન કરી શકે. ભાવિકોએ પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવીને પાલિકાના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી નાગરિક ધર્મ નિભાવ્યો છે. આ સાથે જ 11 દિવસનો આ ભવ્ય ગણેશોત્સવ સંપન્ન થયો છે.