વડોદરાના આર.વી. દેસાઈ રોડ પર બે પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ: લાખોનો માલસામાન બળીને ખાખ, શોર્ટસર્કિટનું અનુમાન

વડોદરાના આર.વી. દેસાઈ રોડ પર બે પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. લાખોનો માલસામાન બળીને ખાખ થયો, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 10:03 AM (IST)Updated: Thu, 01 Oct 2026 10:03 AM (IST)
vadodara-rv-desai-road-two-provision-stores-massive-fire-short-circuit

Vadodara News: વડોદરાના આર.વી. દેસાઈ રોડ પર આવેલી ગોયાગેટ સોસાયટી સામે ગુરુવારે અચાનક આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. અહીં આવેલા ગુરુનાનક પ્રોવિઝન સ્ટોર અને નરસિંહ પ્રોવિઝન સ્ટોરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

કરિયાણાની દુકાનમાં આગ ફાટી

ઘટનાની વિગતો અનુસાર, ગોયાગેટ સોસાયટી સામે આવેલા આ પ્રોવિઝન સ્ટોરના ઉપરના માળે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. જોતજોતમાં આગ ઉપરના માળે આવેલી દુકાનમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. દુકાનમાં પેકિંગ મટીરીયલ, કરિયાણું અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓ હોવાના કારણે આગે ક્ષણભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવને પગલે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડે આગ પર કાબૂ લીધો

ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ્સ અને પાણીના બંબા સાથે તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને અને ભારે જહમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. કલાકોની પરિશ્રમ બાદ આગને વધુ ફેલાતી અટકાવી કાબૂમાં લેવામાં આવી હતી.

માલસામાન બળીને ખાખ થયો

આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઉપરના માળે આવેલી દુકાનમાં રહેલો મોટા પ્રમાણનો માલસામાન બળીને પૂરેપૂરો ખાખ થઈ ગયો છે, જેના કારણે વેપારીને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક તપાસ અને માહિતી મુજબ આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.