વડોદરા રેલવે સ્ટેશન પર મોટું ઓપરેશન: મેંગલોરમાં ચોરી કરી દિલ્હી ભાગી રહેલા 2 આરોપી ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત

વડોદરા રેલવે પોલીસે મેંગલોરમાં બંધ મકાનોમાં ચોરી કરી ટ્રેનથી દિલ્હી ભાગી રહેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા. બંને પાસેથી રૂ.19.12 લાખના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 10:38 AM (IST)Updated: Thu, 01 Oct 2026 10:38 AM (IST)
vadodara-railway-station-mangalore-theft-two-accused-arrested-19-lakh-stolen-goods

Vadodara News: કર્ણાટકના મેંગલોર શહેરમાં બંધ મકાનોને નિશાન બનાવી કરોડોની ચોરી આચરતી આંતરરાજ્ય ગેંગનો વડોદરા પશ્ચિમ રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે. મેંગલોરમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી ટ્રેન મારફતે દિલ્હી ભાગી રહેલા બે શાતિર આરોપીઓને વડોદરા રેલવે સ્ટેશન પરથી દબોચી લેવાયા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી સોનાના કિંમતી દાગીના સહિત રૂ. 19.12 લાખનો ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રેલ્વે સ્ટેશન પર બે ચોરો ઝડપાયા

મળતી માહિતી મુજબ, રેલવે પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ પર હતી. આ દરમિયાન વડોદરા પહોંચેલી ટ્રેનમાં સવાર બે શંકાસ્પદ શખ્સોની હિલચાલ પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તાત્કાલિક બંનેની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરતા આંતરરાજ્ય ઘરફોડ ચોરીનો મોટો ભાંડો ફૂટ્યો હતો.

આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત

ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ અરમાનખાન અને સંજીવકુમાર ઉર્ફે જોની વિષ્ણુ ઠાકોર તરીકે થઈ છે, જેઓ મૂળ દિલ્હીના રહેવાસી છે. આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 19.12 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બંને આરોપીઓ દિલ્હીથી નીકળી અલગ-અલગ રાજ્યોમાં જતા હતા અને ખાસ કરીને મેંગલોર વિસ્તારમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી આચરતા હતા.

આરોપીઓની કરાઈ પૂછપરછ

ચોરી કર્યા બાદ તેઓ પકડાઈ ન જવાય તે માટે ટ્રેન મારફતે દિલ્હી પરત ભાગી જતા હતા. પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે મુંબઈ તેમજ દેશના અન્ય મુખ્ય શહેરોમાં પણ ઘરફોડ ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓના અનેક ગુનાઓ નોંધાયેલા છે. વડોદરા રેલવે પોલીસે બંને શાતિર ચોરોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે મેંગલોર પોલીસને પણ જાણ કરવામાં આવી છે.