Vadodara News: અંડરવર્લ્ડ અને ગુનાખોરીની દુનિયામાં એક સમયે દહેશત ફેલાવનાર રવિ પુજારી ગેંગના વધુ એક સાગરીતને વડોદરા ગ્રામ્ય SOG પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. છેલ્લા 23 વર્ષથી પોલીસને હાથતાળી આપી ફરાર રહેલા કૂખ્યાત આરોપી રમેશ કિટ્ટા પુજારીને પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડીને મુંબઈથી દબોચી લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, વર્ષ 2001માં નેશનલ હાઇવે નંબર 8 પર લૂંટની એક સનસનાટીભરી ઘટના બની હતી. જેમાં આરોપી રમેશ કિટ્ટા પુજારી અને તેના સાગરીતોએ ટ્રક ડ્રાઇવરને બેભાન કરી, 9 ટન તાંબાની સિલીકો (કિંમત રૂ. 12.63 લાખ) ભરેલી ટ્રકની લૂંટ ચલાવી હતી. આ ગંભીર ગુના બાદથી જ આરોપી ફરાર થઈ ગયો હતો.
કેવી રીતે ઝડપાયો આરોપી
વડોદરા ગ્રામ્ય SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આ લૂંટનો મુખ્ય સૂત્રધાર અને લાંબા સમયથી વોન્ટેડ આરોપી રમેશ કિટ્ટા પુજારી મુંબઈ ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે SOGની ટીમે મુંબઈમાં છૂપા વેશે ધામા નાખી, સ્થાનિક સ્તરે ચોક્કસ નેટવર્ક ગોઠવીને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું અને આરોપીની અટકાયત કરી હતી.
રમેશ પૂજારીનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલા આરોપીનો ઈતિહાસ અત્યંત ખૌફનાક છે. રમેશ પુજારી અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી ગેંગનો સક્રિય સભ્ય રહી ચૂક્યો છે. તેના વિરુદ્ધ મુંબઈ સહિત વિવિધ વિસ્તારોમાં ફાયરિંગ, ખંડણી, સશસ્ત્ર લૂંટ તેમજ કડક કાયદા 'મકોકા' હેઠળ અનેક ગુના નોંધાયેલા છે. વડોદરા ગ્રામ્ય પોલીસે આરોપીને વડોદરા લાવી કાયદેસરની ધરપકડ કરી છે અને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે, જેમાં અંડરવર્લ્ડ સંબંધિત અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.
