વડોદરાના રિંગરોડ ફેઝ-1 નું 90% કામ પૂર્ણ, ક્યારે શરૂ થશે? અમદાવાદ-સુરત જવા હવે શહેરમાં પ્રવેશવું નહીં પડે

અંદાજે ₹316.78 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા 27 કિલોમીટર લાંબા રિંગ રોડનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 07:19 PM (IST)Updated: Thu, 26 Nov 2026 07:19 PM (IST)
vadodara-ring-road-phase-1-will-open-within-month-ahmedabad-surat-traffic-relief
AI Generated Image

Vadodara Ring Road Project: વડોદરામાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાથી પરેશાન લાખો વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી તૈયાર થઈ રહેલા મહત્વાકાંક્ષી રિંગ રોડ પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ આગામી એક મહિનામાં ખુલ્લો મૂકવાની તૈયારી છે. રોડ શરૂ થતા દરરોજ અંદાજે 70 હજાર વાહનો શહેરની બહાર ડાયવર્ટ થવાની આશા છે, જેના કારણે શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ ઘટશે.

રિંગ રોડના પ્રથમ ફેઝનું 90 ટકા કામ પૂર્ણ

વડોદરા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા રિંગ રોડ પ્રોજેક્ટના ફેઝ-1 ની કામગીરી પૂર્ણતાની નજીક પહોંચી છે. આશરે રૂ. 316.78 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટ હેઠળ 27 કિલોમીટર લાંબો અને 75 મીટર પહોળો રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં ચાર લેનનો રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ ફેઝમાં પૂર્વ વિસ્તારમાં 16 કિલોમીટર અને પશ્ચિમ વિસ્તારમાં 10 કિલોમીટર લાંબા રોડનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ ફેઝનું અંદાજે 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી એક મહિનામાં તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારી છે.

કોયલીથી વાઘોડિયા સુધી મળશે સીધો લાભ

વડોદરાનો રિંગ રોડ શરૂ થતાં શહેરના વિવિધ વિસ્તાર અને આસપાસના ગામોના લોકોને સીધો લાભ મળી શકશે. કોયલી, શેરખી, સિંધરોટ, ભાયલી અને ચાપડ સહિત આજવા, સયાજીપુરા, ડભોઈ અને વાઘોડિયા વિસ્તારના લોકોને આ પ્રોજેક્ટનો લાભ મળશે.

રિંગ રોડ શરૂ થયા બાદ દરરોજ અંદાજે 70 હજાર વાહનોનું ટ્રાફિક ડાયવર્ટ થવાની શક્યતા છે. તેના કારણે શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ ઘટશે અને ખાસ કરીને ટ્રાફિકથી ભરચક રસ્તાઓ પર વાહન ચાલકોને રાહત મળી શકે છે.

ડિસેમ્બરથી બીજા ફેઝની કામગીરી શરૂ થશે

રિંગરોડ પ્રથમ ફેઝનું કામ પૂર્ણતાની નજીક પહોંચતા હવે રિંગ રોડના બીજા ફેઝની કામગીરી શરૂ કરવાની તૈયારી પણ તેજ કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનાથી બીજા ફેઝનું કામ શરૂ કરવામાં આવશે.

સમગ્ર રિંગ રોડ પ્રોજેક્ટને કુલ 5 ફેઝમાં પૂર્ણ કરવાનું આયોજન છે. તમામ ફેઝનું કામ પૂરું થતાં અંદાજે 2થી 3 વર્ષનો સમય લાગશે. એટલે કે આગામી વર્ષોમાં પ્રોજેક્ટના બાકીના તબક્કા પૂર્ણ થતાં વડોદરા શહેરની આસપાસ વધુ વિસ્તૃત રિંગ રોડ નેટવર્ક તૈયાર થશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે કનેક્ટિવિટી

શહેરના અલગ-અલગ વિસ્તારોને જોડતો આ રિંગ રોડ સ્થાનિક વાહનચાલકો માટે જ નહીં, પરંતુ વડોદરા શહેરમાંથી પસાર થતાં ભારે વાહનો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તંત્રના જણાવ્યા મુજબ, રિંગ રોડ બનવાથી લાંબો ફેરો ઘટશે અને સમયની બચત થશે. આ રોડ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નજીક કનેક્ટ થતો હોવાથી અમદાવાદ અને સુરત તરફથી આવતા વાહનોને શહેરમાં પ્રવેશ્યા વગર બહારથી પસાર થવાનો વિકલ્પ મળશે.

આ વ્યવસ્થાથી વાહનચાલકોના ઇંધણ અને સમય બંનેની બચત થઈ શકે છે. સાથે જ ભારે વાહનોને શહેરના આંતરિક રસ્તાઓને બદલે રિંગ રોડ પર ડાયવર્ટ કરી શકાશે, જેના કારણે શહેરની અંદર ટ્રાફિકનું દબાણ અને અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

વડોદરા શહેર ટ્રાફિક સમસ્યાના ઉકેલની આશા

વડોદરાની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે રિંગ રોડ પ્રોજેક્ટ એક નવી આશા બનીને સામે આવ્યો છે. પ્રથમ ફેઝ શરૂ થયા બાદ જો આયોજન મુજબ દરરોજ અંદાજે 70 હજાર વાહનો શહેરની બહારથી પસાર થશે, તો શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે.

હાલ પ્રથમ ફેઝનું કામ અંતિમ તબક્કામાં છે અને આગામી એક મહિનામાં રોડ શરૂ થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે રિંગ રોડ શરૂ થયા બાદ વડોદરાના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાં કેટલી રાહત મળે છે.