વડોદરા: નોમ નિમિત્તે રામદેવપીરના નેજા સરઘસમાં મોટી દુર્ઘટના, હાઈટેન્શન લાઈન અડી જતાં 2 યુવાનો વીજકરંટથી ગંભીર રીતે દાઝ્યા

વડોદરાના હરિનગર રાજેશ ટાવર રોડ પર રામદેવપીરના નેજા સરઘસમાં હાઈટેન્શન લાઈન અડી જતાં ભયાનક વીજકરંટથી 2 યુવકો ગંભીર રીતે દાઝ્યા. ઈજાગ્રસ્તોને ગોત્રી GMERS હોસ્પિટલમાં ખસેડાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 03:42 PM (IST)Updated: Sun, 20 Sep 2026 03:42 PM (IST)
vadodara-ramdevpir-neja-procession-accident-high-tension-wire-electric-shock-two-injured

Vadodara News: વડોદરા શહેરના હરિનગર રાજેશ ટાવર રોડ વિસ્તારમાં પવિત્ર નોમ નિમિત્તે નીકળેલા શ્રી રામદેવપીર મહારાજના નેજા સરઘસ દરમિયાન એક અત્યંત કરુણ અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે નેજો લઈ જઈ રહેલા શ્રદ્ધાળુઓ વચ્ચે અચાનક વીજકરંટ પસરતાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનો ગંભીર રીતે દાઝી જતાં તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નેજો હાઈટેન્શન લાઈન પર અડી ગયો

મળતી વિગતો અનુસાર, નોમની ઉજવણીના ભાગરૂપે સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા રામદેવપીર બાપાનો નેજો (ધ્વજા) અત્યંત ઉત્સાહપૂર્વક લઈ જવામાં આવી રહ્યો હતો. સરઘસ જ્યારે હરિનગર રાજેશ ટાવર રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે નેજાનો ઉપરનો ભાગ અકસ્માતે રોડ પરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને સ્પર્શી ગયો હતો. વીજ લાઈન સાથે નેજો અડતાં જ જોરદાર ધડાકા સાથે વિજળીનો કરંટ નેજામાં પ્રસરી ગયો હતો.

વીજ કરંટથી 2 યુવાનો ગંભીર રીતે દાઝ્યા

આ વીજપ્રવાહ એટલો ભયાનક અને તીવ્ર હતો કે, રસ્તાની સપાટી પર મોટો ખાડો પડી ગયો હતો. કરંટ લાગવાના કારણે નેજો પકડીને ચાલી રહેલા બે યુવાનો સ્થળ પર જ ગંભીર રીતે દાઝી ગયા હતા અને જમીન પર પટકાયા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને સરઘસમાં જોડાયેલા અન્ય લોકોમાં ભારે ચીસાચીસ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો.

યુવાનોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડ્યા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર માટે ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલના તબીબો દ્વારા યુવાનોની સારવાર યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ પ્રાપ્ત અહેવાલો મુજબ બંને ઈજાગ્રસ્ત યુવાનોની સ્થિતિ સ્થિર છે અને તબીબો તેમની પર સતત નજર રાખી રહ્યા છે.