વડોદરા: સંવેદનશીલ વિસ્તાર જૂનીગઢીના ગણપતિની વિસર્જન યાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત; સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા

વડોદરામાં જૂનીગઢી ગણપતિની વિસર્જન યાત્રાને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. નવલખી તળાવ સુધીના રૂટ પર JCP, DCP, CAPF અને SRPF ની ટીમો તૈનાત, CCTV અને ડ્રોનથી નજર રખાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 10:59 AM (IST)Updated: Sun, 20 Sep 2026 10:59 AM (IST)
vadodara-junigadhi-ganesh-visarjan-yatra-tight-police-security-navalakhi-pond

Vadodara Junigadhi Ganesh Visarjan: ગણેશોત્સવના સાતમા દિવસે આજે શહેરના પ્રસિદ્ધ જૂનીગઢીના ગણપતિની વિસર્જન યાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે વડોદરા શહેર પોલીસે વ્યાપક સુરક્ષા આયોજન પૂર્ણ કર્યું છે. જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા આયોજિત આ યાત્રાના પ્રારંભિક સ્થળથી લઈને નવલખી કૃત્રિમ તળાવ સુધીના સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગણેશ વિસર્જન રુટનું પ્રત્યક્ષ નિરીક્ષણ

સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપતા પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર યાત્રા રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને મંડળના આયોજકો સાથે બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આગળ-પાછળ, ફ્લૅન્ક, ડી-પોઈન્ટ તેમજ ધાબા પોઈન્ટ સહિતના વ્યૂહાત્મક સ્થળો પર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી સેનિટાઈઝેશન કામગીરી પૂર્ણ કરી સ્થાનિક નાગરિકો સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે.

યાત્રાની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત

ગોરવા વિસ્તારમાં ACPની અધ્યક્ષતામાં પોલીસ અને CISFના જવાનો દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ યોજીને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. યાત્રાની સુરક્ષા માટે વિશાળ પોલીસ કાફલો ખડકી દેવાયો છે, જેમાં એક જોઈન્ટ પોલીસ કમિશનર, 6 DCP, 1 ડઝનથી વધુ ACP, અને 100થી વધુ PI તથા PSI ફરજ પર રહેશે. આ સિવાય DCB, SOG, PCBની ટીમો તેમજ CAPFની 4 અને SRPFની 5 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

સમગ્ર રુટ પર કડક મોનિટરિંગ

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે પોલીસે જણાવ્યું કે,“નેત્રમ” કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી સમગ્ર યાત્રાનું સતત મોનિટરિંગ કરાશે.

યાત્રા રૂટ પર ડ્રોન કેમેરા, બોડીવોર્ન કેમેરા, CCTV, વિડિયો એનાલિટિક્સ અને GPS સિસ્ટમ દ્વારા ક્ષણે-ક્ષણની પ્રવૃત્તિ પર નજર રખાશે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે વિશેષ સ્ક્વોડ સક્રિય કરાઈ છે.

ક્રેન સહિતની વ્યવસ્થાઓ ગોઠવાઈ

નવલખી કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાના સન્માનપૂર્વક વિસર્જન માટે ક્રેન સહિતની ટેકનિકલ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે તમામ ભક્તો અને આયોજકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.