વડોદરા: રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં સગીરને ડૂબાડવાનો કથિત પ્રયાસ, આરોપી સભ્ય પર 5 વર્ષનો પ્રતિબંધ

આ ઘટના સમયે સ્થળ પર હાજર કોચ અને જવાબદાર કર્મચારીઓની ભૂમિકા પર તપાસ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 03 Sep 2026 02:13 PM (IST)Updated: Thu, 03 Sep 2026 02:13 PM (IST)
vadodara-rajiv-gandhi-swimming-pool-minor-drowning-attempt-hiral-patel-ban
vadodara rajiv gandhi swimming pool

Vadodara News: વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં સ્વિમિંગ કરી રહેલા એક સગીર બાળકને કથિત રીતે ઊંડા પાણીમાં ખેંચી જઈને તેને ડૂબાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બે મહિના અગાઉ બની હતી. આ મામલે હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરતા કૃત્ય કરનાર કાયમી સભ્યને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ખાતે એક સગીર બાળક નિયમિત રીતે સ્વિમિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્વિમિંગ પુલના કાયમી સભ્ય 47 વર્ષીય હિરલ પટેલે અચાનક સગીર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હિરલ પટેલે સગીર બાળકને પકડીને સ્વિમિંગ પુલના ઊંડાણવાળા ભાગ તરફ ખેંચી ગયો હતો. ત્યાં તેણે બાળકને બે વાર ઊંડા પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે સ્વિમિંગ પુલ પરિસરમાં ભારે હડકંપ મચી ગયો હતો.

જોકે, આ ગંભીર ઘટના બન્યાના પૂરા બે મહિના વીતી ગયા બાદ તંત્ર દ્વારા સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ટુરિસ્ટ વિભાગના અધિકારી અંકુશ ગરુડે જણાવ્યું કે, આ ઘટના સામે આવ્યા બાદ વડોદરા મહાનગર સેવા પાલિકા દ્વારા સગીરના જીવન સાથે ચેડાં કરનાર આરોપી સભ્ય હિરલ પટેલ પર 5 વર્ષનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો છે. હવે વર્ષ 2031 સુધી તે શહેરના કોઈપણ પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

માત્ર આરોપી સભ્ય જ નહીં, પરંતુ આ ઘટના સમયે સ્વિમિંગ પુલ પર હાજર રહેલા કોચ અને પાલિકાના જવાબદાર કર્મચારીઓની ભૂમિકાની પણ ગંભીર નોંધ લેવામાં આવી. અધિકારીના જણાવ્યા મુજબ, ફરજમાં બેદરકારી દાખવનાર કોચ અને સંબંધિત કર્મચારીઓ સામે પણ આગામી સમયમાં યોગ્ય ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાની આ કાર્યવાહીથી સ્વિમિંગ પુલ સંચાલકો અને સભ્યોમાં ફફડાટ ફેલાયો છે.