Vadodara Rain: વેમાલીમાં પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી પાણી કાઢતા સમયે કરંટ લાગતા મેનેજર અને સિક્યુરિટી ગાર્ડનું મોત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 Aug 2024 05:50 PM (IST)Updated: Thu, 29 Aug 2024 05:50 PM (IST)
vadodara-rain-electrocuted-manager-and-security-guard-died

Vadodara Rain: વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વેમાલીમાં આવેલા પાર્ટીપ્લોટમાંથી પાણી કાઢતા સમયે કરંટ લાગવાથી બે વ્યક્તિના મોત નીપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતકના પરિવારજનોએ પાર્ટીપ્લોટના માલિકને જવાબદાર ઠેરવતા આક્ષેપ કર્યા છે.

છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલ વરસાદના કારણે તેમજ વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાના કારણે આખું શહેર જળમગ્ન બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં, દુકાનોમાં, મંદિરોમાં તેમજ પાર્ટી પ્લોટ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. એવામાં વેમાલીમાં આવેલ આતિથ્ય પાર્ટી પ્લોટમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેને કાઢવા માટે તંત્ર પાસે મદદ માંગવામાં આવી હતી, પરંતુ તંત્ર અન્ય કામગીરીમાં વ્યસ્ત હોય પાર્ટી પ્લોટના મેનેજર અને સિક્યોરિટી ગાર્ડ જાતે પાણી ઉલેચવાની કામગીરી કરવા ગયા હતા.

પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં મેનેજર મયુર પટેલ અને સિક્યુરિટી ગાર્ડ સુરેશ પઢિયાર પાણી કાઢવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન કરંટ લાગવાથી તેઓના મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ પાર્ટી પ્લોટના માલિક પર આક્ષેપ કર્યા હતા. આ ઘટનાની જાણ થતા મંજુસર પોલીસ ઘટનાસ્થળે પહોચી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી.