વડોદરા: ગરીબરથ ટ્રેનમાંથી નાઈજિરિયન બ્રાન્ડના દારૂનો જથ્થો ઝડપાયો, આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ

ટ્રેનમાંથી રેલવે પોલીસે નાઈજિરિયન પ્રીમિયમ દારૂ અને બીયરનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં જપ્ત કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 22 Oct 2026 10:13 AM (IST)Updated: Thu, 22 Oct 2026 10:13 AM (IST)
vadodara-railway-police-seize-nigerian-liquor-from-garib-rath-express-international-smuggling

Vadodara Crime News: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે વડોદરા રેલવે પોલીસે વિદેશી દારૂની આંતરરાષ્ટ્રીય દાણચોરીનું મોટું રેકેટ ખુલ્લું પાડ્યું છે. મુંબઈ તરફથી આવતી ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે નાઈજિરિયન બનાવટના પ્રીમિયમ દારૂ અને બીયરનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં જપ્ત કર્યો છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી છે.

મળેલી માહિતી અનુસાર, વડોદરા રેલવે પોલીસની ટીમ સ્ટેશન પર રૂટિન ચેકિંગ હાથ ધરી હતી. આ દરમિયાન ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર G-14માં પોલીસને શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. તપાસ દરમિયાન કોચના ટોઇલેટ કોરિડોર પાસે બિનવારસી હાલતમાં મુકેલા 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે આ પાર્સલ કબજે કરી ખોલીને જોતા અંદરથી વિદેશી બ્રાન્ડનો દારૂ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ પાર્સલમાંથી નાઈજિરિયન બનાવટની પ્રીમિયમ બિયર તેમજ બિટર્સની કુલ 216 બોટલ અને ટીન મળી આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા 66.240 લિટર દારૂના આ જથ્થાની કુલ કિંમત રૂ. 3.41 લાખથી પણ વધુ આંકવામાં આવી છે. સામાન્ય રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ પકડાતો હોય છે, પરંતુ આફ્રિકન દારૂ મળવાની કદાચ પ્રથમ ઘટના છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ દારૂનો જથ્થો ‘ઈથોપિયન એરલાઇન્સ’ મારફતે હવાઈ માર્ગે ભારત લાવવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. મુંબઈ એરપોર્ટ પરથી ઉતારીને તેને ગુજરાતમાં સપ્લાય કરવા માટે ગરીબરથટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવ્યા બાદ વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આ માલ કોણે મોકલ્યો અને ગુજરાતમાં તેનો સ્થાનિક રીસીવર કોણ હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટ પાછળ સક્રિય નાઈજિરિયન શખ્સ અને તેના સ્થાનિક નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે CCTV ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.