Vadodara Police Shastra Pujan 2026: અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યનાવિજયના પ્રતીક સમાન પવિત્ર વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં પરંપરાગત અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. આ શુભ દિવસે સનાતન સંસ્કૃતિમાં શસ્ત્ર પૂજનનું વિશેષ મહાત્મ્ય છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અકબંધ રાખતી વડોદરા પોલીસ દ્વારા પણ પરંપરાગત રીતે શસ્ત્ર, વાહન અને અશ્વ પૂજનના ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા.
આ વિશેષ અવસર પર વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શહેરના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા. પોલીસ હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અને વિધિવત પૂજા-અર્ચના સાથે પોલીસ વિભાગના આધુનિક શસ્ત્રો, વાહનો તેમજ અશ્વોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સદ્ધર રહે તેમજ નાગરિકોની સુરક્ષા હંમેશા જળવાઈ રહે તેવા સંકલ્પ લીધા હતા.
આ પણ વાંચો

પૂજન વિધિ સંપન્ન થયા બાદ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયા સાથેની વાતચીતમાં આ પર્વના મહત્વ અને પોલીસ વિભાગની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, નવરાત્રી અને દશેરા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે પોલીસ મુખ્યાલય ખાતે પરંપરાગત શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ એક અગ્રેસર એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે અસામાજિક તત્વો, સખત ગુનેગારો, આતંકવાદીઓ તેમજ રાજ્ય અને સમાજ વિરોધી માથાભારે તત્વો સામે સતત અને સખત લડત ચલાવી રહી છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારના ગુનાહિત તત્વોને નાથવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ આધુનિક હથિયારો, સ્પેશિયલાઇઝ્ડ ટૂલ કીટ્સ અને અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. જનતાની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અમારો સમગ્ર સ્ટાફ નિષ્ઠાપૂર્વક અને ખંતપૂર્વક મહેનત કરી રહ્યો છે.

આ પવિત્ર દિવસે માં શક્તિની આરાધના કરતા પોલીસ કમિશનરે જણાવ્યું કે, માં જગદંબા સમક્ષ પ્રાર્થના કરી કે આપણા વડોદરા શહેરમાં કાયમ સુખ, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય, તો તેનો મક્કમતાથી સામનો કરવા માટે પોલીસ દળને પૂરતી શક્તિ અને મનોબળ પ્રાપ્ત થાય. ગુનેગારો અને અસામાજિક તત્વો સામે આ લડતમાં આપણને હંમેશાં વિજય મળે તેવી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી છે.
કાર્યક્રમના અંતે પોલીસ કમિશનરે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આજના સમૂહ પૂજનના કાર્યક્રમમાં પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એક સૂત્ર થઈને સંકલિત ભાવ સાથે ઉપસ્થિત રહ્યા છે. આગામી સમયમાં પણ વડોદરા શહેર પોલીસ વધુ સખત મહેનત અને અથાગ પ્રયાસો કરશે. જેથી શહેરમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા અકબંધ રહે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પોલીસ હંમેશાં સજ્જ અને તૈયાર છે.
