Navratri 2026: આવતી કાલથી એટલે કે, 11 ઓક્ટોબરના રોજ થી પ્રારંભ થતા નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને ખાસ કરીને દીકરીઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસે સુરક્ષાનું એક વિશેષ અને અદ્યતન આયોજન કર્યું છે. જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા કુલ 674 ગરબા સ્થળો પર 2,875 સુરક્ષા જવાનો તૈનાત રહેશે. આ કાફલામાં 1 SP, 5 DySP, 21 PI, 24 PSI, 1,340 પોલીસ કર્મીઓ, 750 GRD અને 785 હોમગાર્ડનો સમાવેશ થાય છે.
નવરાત્રિમાં બહેનો-દીકરીઓને સુરક્ષા
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજી આધારિત 'નવરાત્રિ સુરક્ષા એપ્લિકેશન' લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં QR કોડ સ્કેનિંગ, GPS ટ્રેકિંગ અને SOS બટન જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. તમામ ગરબા આયોજકોને લોકેશન મુજબ QR કોડ અપાશે. નાગરિકો આ એપમાં નામ અને ઈમરજન્સી નંબર સાથે એકવાર રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગરબા સ્થળે પ્રવેશતી વખતે QR કોડ સ્કેન કરવાથી કંટ્રોલ રૂમમાં વ્યક્તિ 'ઓનલાઇન' દેખાશે.

કેવી રીતે કામ કરે છે એપ્લિકેશન?
ગરબા પૂરા થયા બાદ ઘરે પરત ફરતી વખતે પોતાના નિવાસસ્થાનના 1 કિલોમીટરના વિસ્તારમાં પહોંચતા જ સિસ્ટમ આપમેળે તેમને 'ઓફલાઇન' દર્શાવશે. જો કોઈ દીકરી મોડી રાત સુધી ઘરે ન પહોંચે, તો કંટ્રોલ રૂમમાંથી સિંગલ ક્લિકથી પરિવારનો સંપર્ક કરવામાં આવશે. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં એપમાં આપેલું SOS બટન 2 સેકન્ડ દબાવી રાખવાથી કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ જનરેટ થશે, અને GPS લોકેશન આધારે નજીકની PCR વાન તુરંત પહોંચી જશે.
રોમિયોગીરી કરતાં તત્વો પર બાજ નજર
આ સુરક્ષા કવચ યુવકો અને વરિષ્ઠ નાગરિકો માટે પણ ઉપલબ્ધ રહેશે. આ રોબસ્ટ ક્લાઉડ આધારિત સિસ્ટમ એકસાથે 5 લાખ લોકોનું ભારણ સહન કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. મોટા ગરબા સ્થળો પર પોલીસ હેલ્પડેસ્ક અને CCTV કેમેરા ફરજિયાત કરાયા છે. રોમિયોગિરી અને અસામાજિક તત્વો પર નજર રાખવા 'શી ટીમ'ની મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ વચ્ચે હાજર રહેશે. 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ માટે 48 તાલીમબદ્ધ કર્મચારીઓ સાથે 112 ઇમરજન્સી ગાડીઓ અને સ્ટેટિક પોઇન્ટ્સ દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
