નવરાત્રી નિમિત્તે વડોદરા પોલીસનો મોટો નિર્ણય: રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ, S.T બસો અને વાહનો માટે વૈકલ્પિક રુટ

વડોદરામાં નવરાત્રી અને દશેરાને લઈને પોલીસનો મોટો નિર્ણય. 11થી 19 ઓક્ટોબર સુધી રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 10 Oct 2026 08:14 AM (IST)Updated: Sat, 10 Oct 2026 08:14 AM (IST)
vadodara-navratri-heavy-vehicle-restriction-she-team-security-police-guidelines

Navratri 2026: સાંસ્કૃતિક નગરી વડોદરામાં નવરાત્રીના ગરબા અને દશેરાના પવિત્ર તહેવારને ધામધૂમથી ઉજવવા માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉત્સવ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, રસ્તાઓ પર ટ્રાફિક જામ ના થાય અને ખેલૈયાઓ સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે તે હેતુથી વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.

ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ

ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33 હેઠળ જાહેર કરાયેલા આ નિયમ અનુસાર, તારીખ 11થી 19 ઓક્ટોબર દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દરરોજ સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી લઈને મધરાતે 2 વાગ્યા સુધી (અથવા ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી) ભારદારી વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહીં. અગાઉ આ પ્રતિબંધ માત્ર સાંજે 9 વાગ્યા સુધી જ અમલમાં હતો, પરંતુ ખેલૈયાઓની ભારે ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સમયગાળો વધારીને રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

શહેરના સરહદી વિસ્તારો જેવા કે ફર્ટિલાઈઝર, દુમાડ, દેણા, ગોલ્ડન, દરજીપુરા, આજવા, વાઘોડિયા, કપુરાઈ, તરસાલી અને જાંબુવા બ્રિજ જેવા મુખ્ય માર્ગો પરથી ભારે વાહનોના પ્રવેશ પર ખાસ દેખરેખ રાખવામાં આવશે.

એસ.ટી બસો માટે વૈકલ્પિક રુટો જાહેર

તેમજ, શહેરમાં પ્રવેશતી એસ.ટી. બસો માટે પણ વૈકલ્પિક રૂટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. મકરપુરા ડેપો, સુશેન સર્કલ, વડસર બ્રિજ, તુલસીધામ, લાલબાગ બ્રિજ અને કાલાઘોડાથી જેલ રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં એસ.ટી. બસોની અવરજવર પર નિયંત્રણ રહેશે. જેથી મુસાફરોને નવી રૂટ વ્યવસ્થા મુજબ જ મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ તૈનાત

બીજી તરફ, ગરબા ગ્રાઉન્ડ્સ પર મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે અનોખું આયોજન કર્યું છે. રોમિયોગીરી અને છેડતી કરનારાઓ પર બાજ નજર રાખવા માટે 'શી ટીમ'ના મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ પરંપરાગત ચણિયાચોળી અને કુર્તા-પાયજામા પહેરીને ખેલૈયાઓની વચ્ચે જ તૈનાત રહેશે. આ ઉપરાંત સમગ્ર ગરબા ગ્રાઉન્ડ્સ પર CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. કોઈપણ આકસ્મિક કે કટોકટીની સ્થિતિમાં મહિલાઓ તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર સંપર્ક કરી શકશે.