Vadodara News:સ્માર્ટ સિટી વડોદરામાં રોડ-રસ્તા અને ડ્રેનેજની નબળી કામગીરીની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા ડી-માર્ટ ની બાજુમાં અચાનક રસ્તા પર એક મોટો ભૂવો પડી જતાં રોડ પરથી પસાર થઈ રહેલી શાકભાજીની લારી સીધી ભૂવામાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શાકભાજી અને રૂપિયાનો ગલ્લો પણ ભૂવામાં ગરકાવ
અચાનક જમીન બેસી જતાં શાકભાજી વેચતા લારીધારક કંઈ સમજે તે પહેલાં જ તેની આખી લારી ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. લારીમાં ભરેલા તમામ શાકભાજી તેમજ વેચાણના નાણાં ભરેલો રૂપિયાનો ગલ્લો પણ ભૂવાના ઊંડા ખાડામાં પડી ગયો હતો. ઘટના સમયે આસપાસ હાજર સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત અને મથામણ બાદ લારીધારકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો, જેથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
સ્થાનિકોએ જાતે બેરીકેટ મૂકી રસ્તો બંધ કર્યો
ઘટના બાદ પાલિકા તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ પહોંચે તે પહેલાં સ્થાનિક રહીશોએ સતર્કતા દાખવી હતી. અન્ય કોઈ વાહનચાલક કે રાહદારી આ ભૂવામાં ન ખાબકે તે માટે સ્થાનિકોએ જાતે જ રસ્તા પર બેરીકેટિંગ કરી દે રસ્તો સુરક્ષિત કર્યો હતો અને વાહન વ્યવહાર ડાયવર્ટ કર્યો હતો.
VMCની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ
જાહેર રસ્તા પર અચાનક ભૂવો પડવાની આ ઘટનાને પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની રોડ અને ડ્રેનેજ વિભાજ ની હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ માગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના બને કે કોઈનો જીવ જાય તે પહેલાં પાલિકા તંત્ર દ્વારા આ ભૂવાનું તાત્કાલિક ધોરણે પૂરાણ કરી રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે.
