VIDEO: વડોદરામાં ટાટા મોટર્સ સામે ગ્રાહકનો અનોખો વિરોધ, વોરંટી છતાં સર્વિસ ચાર્જ વસૂલાતા ટ્રકને ગધેડા વડે ખેંચાવી શૉ રૂમ પહોંચાડી

વડોદરામાં એક ટ્રક માલિકે ટાટા મોટર્સ સામે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. વોરંટી હોવા છતાં ટ્રક બંધ પડી જતાં રિપેરિંગના રૂ. 49 હજાર વસૂલવામાં આવતા તેણે પોતાનું વાહન ગધેડાઓ પાસે ખેંચાવડાવીને શૉ રૂમ સુધી પહોંચાડતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 08 Oct 2026 04:39 PM (IST)Updated: Thu, 08 Oct 2026 04:39 PM (IST)
vadodara-video-truck-pulled-by-donkeys-to-tata-motors-showroom-in-unique-protest

Vadodara Video: વડોદરામાં ગ્રાહક સુરક્ષા અને કંપનીની વોરંટી નીતિ સામે અનોખા વિરોધ પ્રદર્શનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નેશનલ હાઇવે પર આવેલા ટાટા મોટર્સના શોરૂમ બહાર એક વાહનમાલિકે પોતાની નવી કન્ટેનર ટ્રકને ગધેડાઓ વડે ખેંચાવીને કંપનીના વહીવટ સામે આક્રોશ ઠાલવ્યો છે. આ અનોખા દ્રશ્યએ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભારે કુતુહલ સર્જ્યું હતું.

દોઢ વર્ષની વોરંટી છતાં 10 મહિનામાં ટ્રક બંધ પડી જતાં રૂ. 49 હજાર વસૂલાયા


વડોદરાના સત્યવીર શર્માએ ‘અંબિકા મોટર્સ’ નામના શોરૂમમાંથી ટાટા કંપનીનું નવું કન્ટેનર ખરીદ્યું હતું. આ વાહનની દોઢ વર્ષની અધિકૃત વોરંટી હતી, પરંતુ ખરીદીના માંડ 10 મહિનામાં જ મુંબઈ નજીક ટ્રક અચાનક બંધ પડી ગઈ હતી.

'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર

જેથી મુંબઈના સર્વિસ સેન્ટરમાં તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે, વાહનની ક્લચ પ્લેટ બળી ગઈ છે. ગ્રાહકનો આરોપ છે કે, ગાડી વોરંટી પિરિયડમાં હોવા છતાં મુંબઈના શોરૂમ દ્વારા તેમની પાસેથી રૂ. 49,000નો જંગી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.

વાહનમાલિક સત્યવીર શર્માએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું કે, એક તરફ તેઓ નિયમિત બેંકના હપ્તા ભરી રહ્યા છે અને બીજી તરફ વોરંટી હોવા છતાં શોરૂમ દ્વારા અન્યાયી રીતે સ્પેરપાર્ટ્સના પૈસા પડાવવામાં આવ્યા છે. વડોદરાના મૂળ શોરૂમનો સંપર્ક કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતાં, તેમણે નારાજ થઈને શોરૂમની સામે ગધેડાઓ દ્વારા કન્ટેનર ખેંચાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

ટ્રકની ક્લચ પ્લેટ વોરંટી કવરેજમાં નથી આવતીઃ કંપની

બીજી તરફ વડોદરાના અંબિકા શોરૂમના સર્વિસ મેનેજર શૈલેષભાઈએ કંપનીનો પક્ષ મૂકતાં જણાવ્યું કે, બળી ગયેલી ક્લચ પ્લેટ કંપનીના નિયમો મુજબ વોરંટી કવરેજમાં આવતી નથી.

ગાડીનું અયોગ્ય ડ્રાઇવિંગ અથવા ચેતવણીના સંકેતો છતાં સતત ટ્રક ચલાવવાથી આ ખામી સર્જાઈ હોવાથી તેનો ખર્ચ ગ્રાહકે જ ભોગવવાનો રહે છે. ગ્રાહકની નારાજગી અને શોરૂમના નિયમો વચ્ચે સર્જાયેલા આ વિવાદે સમગ્ર વડોદરા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.