Vadodara News: સાંસ્કૃતિક નગરી વડોદરામાં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગરબા ઉત્સવ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ખેલૈયાઓની સુરક્ષા અને મોડી રાત સુધી ચાલતા ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા પોલીસ તંત્ર પૂર્ણ રીતે સતર્ક બન્યું છે.
પોલીસ અધિકારીઓએ કરી તપાસ
આ સુરક્ષા આયોજનના ભાગરૂપે વડોદરા શહેરના હાર્દસમા નવલખી મેદાન ખાતે પોલીસે મોડી રાત્રે એકાએક સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શહેરના ઝોન-2ના ડીસીપી મંજીતા વણઝારાની સીધી હાજરી અને માર્ગદર્શન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના કાફલાએ સમગ્ર મેદાન ખૂંદી વળ્યું હતું.
રાતના અંધારામાં નવલખી મેદાનના ખૂણે-ખૂણે અને અવાવરૂ જગ્યાઓ પર બેસી રહેતા શંકાસ્પદ લોકોની પોલીસે કડક પૂછપરછ કરી હતી. તેમની ઓળખ ચકાસવામાં આવી હતી અને કારણ વગર અંધારામાં બેસી રહેતા લોકોને મેદાન બહાર ખદેડી દેવામાં આવ્યા હતા. અસામાજિક તત્વો પર લગામ કસવા અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે હેતુથી આ સરપ્રાઇઝ ચેકિંગ યોજવામાં આવ્યું હતું.
ડ્રોનથી કરાશે ખાસ નિરિક્ષણ
પોલીસ તંત્ર દ્વારા માત્ર જમીની સ્તર પર જ નહીં પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. નવલખી મેદાન અને તેની આસપાસના 'ડાર્ક સ્પોટ' પર ડ્રોન કેમેરાની મદદથી તીક્ષ્ણ નજર રાખવામાં આવશે. ડ્રોન સર્વેલન્સના કારણે મેદાનના એવા ખૂણાઓ પણ આવરી લેવાશે જ્યાં સામાન્ય રીતે નજર પહોંચવી મુશ્કેલ હોય છે.
શું કહ્યું પોલીસ અધિકારીએ?
આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો ગરબા રમાડતા મેદાનોમાં એકઠા થતા હોય છે, જેમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસ માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. નવરાત્રિ પર્વ નિર્વિઘ્ને અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સમગ્ર વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં પણ આ પ્રકારે કડક પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે. વડોદરા પોલીસની આ સતર્કતાથી નાગરિકો અને ગરબા રસિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે.
