Vadodara: કરજણ NH-48 પર CNG ભરાવતી વખતે કારમાં પ્રચંડ બ્લાસ્ટ, કારના ચિથરા ઊડ્યા, મોટી જાનહાનિ ટળી, Video

કરજણ નેશનલ હાઈવે-48 પર જિંદાલ કંપની સામે સીએનજી ભરાવતી વખતે ધડાકાભેર ફાટી કારની ટેન્ક. કારના ખુર્દો બોલી ગયો પણ સદનસીબે મોટી દુર્ઘટના ટળી

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 03 Oct 2026 11:56 AM (IST)Updated: Sat, 03 Oct 2026 11:56 AM (IST)
karjan-nh-48-cng-pump-car-blast-blast-near-jindal-company-cng-tank-blast-news

Vadodara News: કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા એક સીએનજી પંપ પર ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કારમાં ગેસ ભરાવતી વખતે અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, કારના પાછળના ભાગના પતરા અને કાચના ટુકડા દૂર-દૂર સુધી ફેંકાયા હતા. સદનસીબે દુર્ઘટના સમયે કારની અંદર કોઈ વ્યક્તિ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

કારની ટેન્ક ધડાકા સાથે બ્લાસ્ટ થઈ

મળતી વિગતો અનુસાર, કરજણ નેશનલ હાઈવે-48 પર આવેલી જિંદાલ કંપનીની સામે સ્થિત CNG પંપ પર એક કાર ચાલક ગેસ પુરાવવા માટે આવ્યો હતો. નિયમ મુજબ કારમાંથી મુસાફરો ઉતરી ગયા બાદ પંપ કર્મચારી દ્વારા કારમાં CNG ગેસ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જ અચાનક કારની ગેસ ટેન્ક પ્રચંડ ધડાકા સાથે ફાટી હતી.

લોકોમાં દોડધામ મચી ગઈ

ધડાકો એટલો જોરદાર હતો કે, આસપાસ ઊભેલા લોકોમાં ફાળ પડી હતી અને પંપ પર ભાગદોડ મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે કારના પાછળના ભાગનો ખુર્દો બોલી ગયો હતો, તેમજ પતરા અને કાચના ટુકડા વેરવિખેર થઈને દૂર સુધી ઉડ્યા હતા. આ ધડાકાની ઝપેટમાં આવવાથી નજીકમાં ઊભેલા અન્ય બે વાહનોને પણ આંશિક નુકસાન પહોંચ્યું હતું.

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ટીમે સુરક્ષાના તમામ જરૂરી પગલાં લઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને અન્ય કોઈ અપ્રિય ઘટના ના બને તે માટે પંપ વિસ્તારને સુરક્ષિત કર્યો હતો.

કારમાં ધડાકો થવાનું કારણ?

CNG ટેન્ક ફાટવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ટેન્કની ગુણવત્તા, ટેસ્ટિંગ ડ્યૂ-ડેટ કે ટેકનિકલ ખામીને કારણે આ બ્લાસ્ટ થયો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, કારમાં સવાર તમામ લોકો ગેસ ભરાવતી વખતે બહાર ઊભા હોવાથી તમામનો આબાદ બચાવ થયો છે. પંપ સંચાલકો અને પોલીસે લોકોને અપીલ કરી છે કે સીએનજી ભરાવતી વખતે વાહનમાંથી ઉતરી જવાની સુરક્ષા માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવું અનિવાર્ય છે.