Vadodara News: ગાંધીનગરના સોનીપુર ખાતે આયોજિત એક સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવાનો પ્રચંડ હુંકાર કર્યો હતો. આ ચેતવણીના માત્ર 5 દિવસમાં વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગૃહ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને શંકાસ્પદ વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
શંકાસ્પદ વિસ્તારોમાં સઘન પૂછપરછ અને સર્ચ ઓપરેશન
મળતી માહિતી મુજબ, વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકોના જવાનો દ્વારા વિસ્તારોમાં રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રમિકોની વસાહતો, બાંધકામની સાઇટ્સ અને ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં રહેતા શંકાસ્પદ લોકોની ઓળખ ચકાસવામાં આવી રહી છે. તેમની પાસે ભારતીય નાગરિકત્વના પુરાવા જેવા કે, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ,રેશનકાર્ડ છે કે નહીં તેની ઝીંણવટભરી તપાસ હાથ ધરાઈ છે. જો કોઈ આધાર-પુરાવા શંકાસ્પદ જણાય તો પોલીસ દ્વારા તેમની અટકાયત કરી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકા
સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના આંતરિક સર્વે મુજબ, વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 200થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હોવાની પ્રબળ આશંકા છે. બાંગ્લાદેશી લોકો સસ્તા શ્રમિક કે નાની-મોટી રોજગારી મેળવી સ્થાનિકો વચ્ચે ભળી ગયા છે.
સ્થાનિકોમાં ફફડાટ, પોલીસ એલર્ટ મોડ પર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આદેશ બાદ શરૂ થયેલી આ કડક કાર્યવાહીને પગલે ગેરકાયદે રહેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કોઈપણ વિસ્તારમાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવશે તો તેની સામે કાયદેસરના પગલાં ભરી દેશનિકાલ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વિદેશી નાગરિક દેખાય તો તુરંત પોલીસને જાણ કરે.
