Vadodara: કુખ્યાત લાલુ સિંધી ગેંગ ‘GUJCTOC’ ના સકંજામાં, 12 સાગરીતો સામે ગુનો દાખલ

આ ગેંગના અન્ય ચાર આરોપીઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 04 May 2026 09:28 AM (IST)Updated: Mon, 04 May 2026 09:28 AM (IST)
vadodara-police-gujctoc-against-lalu-sindhi-liquor-syndicate-12-associate
HIGHLIGHTS
  • વડોદરા પોલીસની મોટી કાર્યવાહી
  • લાલુ સિંધી ગેંગ પર ગુજસીટોક લાગ્યો
  • 12 સાગરીતો સામે કાર્યવાહી કરાઈ

Vadodara Crime News: વડોદરા શહેર, જિલ્લા અને સમગ્ર મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનું મોટું નેટવર્ક ચલાવતા કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી અને તેની ટોળકી સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. સંગઠિત ગુનાખોરીને નાથવા માટે પોલીસે આ ટોળકીના 12 સભ્યો સામે કડક એવા ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ મખીજાનીની ધરપકડ, અન્યની શોધખોળ

પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા આ સપાટામાં ટોળકીના સભ્ય મુકેશ મખીજાનીની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીના અન્ય ચાર આરોપીઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર લાલુ સિંધી સહિતના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ મદદનીશ પોલીસ કમિશનર (ACP) પ્રણવ કટારીયાને સોંપવામાં આવી છે.

રાજ્યભરમાં ફેલાયેલું આંતરરાજ્ય નેટવર્ક

લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી, સુનીલ ઉર્ફે અદો કેવલરામાણી અને વિજુ સિંધીની આ ટોળકી રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દમણ અને ગોવા જેવા રાજ્યોમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવતી હતી. આ ગેંગનો એટલો દબદબો હતો કે સ્થાનિક બુટલેગરોએ પણ ધંધો કરવા માટે લાલુ સિંધીની પરવાનગી લેવી પડતી હતી.

12 સાગરીતો સામે ગુનો દાખલ

આ ટોળકીના સભ્યો સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયા હોવા છતાં, કેટલાક લાંચિયા અધિકારીઓના છૂપા આશીર્વાદને કારણે તેઓ લાંબા સમય સુધી બચી રહ્યા હતા. જોકે, હવે નંદેસરી પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં મુખ્યત્વે નીચેના શખ્સોનો સમાવેશ થાય છે:

  • લાલચંદ ઉર્ફે લાલુ સિંધી (37 ગુનામાં સંડોવાયેલ, અને 6 વખત પાસા)
  • સુનીલ ઉર્ફે અદો કેવલરામાણી
  • મુકેશ નારાયણદાસ મખીજાની
  • અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણી
  • ધર્મેશ ઉર્ફે લાલો ચૌહાણ
  • કાલુ ઉર્ફે ટોપી ટેલવાણી
  • મનોજ ઉર્ફે પાપડ નરસિંગાની, જીતેન્દ્ર ચૌહાણ, મોહિત અગ્રવાલ, હેમંત સચવાણી, હિમાંશુ અગ્રવાલ અને દીપેન વાળા.

સ્ટેટ મોનિટરિંગ સેલની કડક કાર્યવાહી બાદ અંતે વડોદરા પોલીસે આ ટોળકી વિરુદ્ધ સખત કાયદાકીય શસ્ત્ર ઉગામતા ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ ગેંગ સામે ગુજસીટોક (The Gujarat Control of Terrorism and Organized Crime Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.