દિવાળી પર્વમાં વડોદરા પોલીસની વિશેષ ડ્રાઈવ, જાહેરનામા ભંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 118 કેસ નોંધાયા

વડોદરા શહેર પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, શાંતિ અને સલામતી સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Nov 2026 07:43 PM (IST)Updated: Mon, 16 Nov 2026 07:43 PM (IST)
vadodara-police-diwali-special-drive-118-cases-for-firecracker-rules-and-drink-and-drive

Vadodara News: દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા 1 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 15 દિવસની સઘન ઝુંબેશ દરમિયાન પોલીસે ફટાકડા અંગેના જાહેરનામાનો ભંગ કરનારા અને નશાની હાલતમાં વાહન હંકારનાર તત્વો સામે કડક કાર્યવાહી કરીને કુલ 118 કેસ નોંધ્યા છે.

ફટાકડા ફોડવા અંગેના જાહેરનામાનો ભંગ

તહેવારની ઉજવણીના નામે જાહેર શાંતિ ડહોળતા અને જોખમી રીતે ફટાકડા ફોડતા તત્વો સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલજાહેરનામાનો ભંગ કરવા બદલ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 37 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને રાત્રે નિર્ધારીતસમયમર્યાદા બાદ ફટાકડા ફોડવા, પ્રતિબંધિત અને અતિશય ઘોંઘાટ કરતા ફટાકડાનું ગેરકાયદેસર વેચાણ કરવા તેમજ જાહેર માર્ગો પર રાહદારીઓ અને વાહનચાલકોનો જીવ જોખમાય તે રીતે ફટાકડા ફોડવા બદલ આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નશામાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી

બીજી તરફ, તહેવારોની મજા સજામાં ન ફેરવાય અને માર્ગ અકસ્માતો અટકાવી શકાય તે માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા શહેરના મુખ્ય ચાર રસ્તા અને સંવેદનશીલ વિસ્તારમાંરાત્રીના સમયે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ ટીમો દ્વારા બ્રેથ એનલાઈઝરની મદદથી કરાયેલી તપાસમાં નશાની હાલતમાં વાહન ચલાવતા 81 જેટલા વાહનચાલકો ઝડપાયા હતા. પોલીસે આ તમામ નશાખોર ચાલકો વિરુદ્ધ 'ડ્રંક એન્ડ ડ્રાઈવ' ના ગુના નોંધી તેમના વાહનો ડિટેઈન કરવાની કડક કાર્યવાહી કરી છે.

આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

આમ, ફટાકડાના જાહેરનામા ભંગના 37 અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 81 મળીને કુલ 118 કેસમાં પોલીસે દંડાત્મક પગલા ભર્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ઝુંબેશને પગલે અસામાજિક તત્વો અને નિયમોનો ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેર પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરની શાંતિ અને સલામતી સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.