વડોદરાના ગોત્રીમાં ગણેશજીની પ્રતિમાને આગ લાગી કે ચાંપવામાં આવી? CCTV ફૂટેજ સામે આવ્યા બાદ તપાસમાં આવ્યો વળાંક

CCTV કેમેરા નમાવી દઈ ગણેશજીની પ્રતિમાને આગ લગાવવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડાયું હોવાનો મંડળનો આક્ષેપ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Nov 2026 05:25 PM (IST)Updated: Mon, 16 Nov 2026 05:25 PM (IST)
vadodara-gotri-ganesh-idol-fire-incident-cctv-tampering-alleged-police-complaint

Vadodara News: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અયોધ્યાનગર કોમન પ્લોટમાં દિવાળીની મોડી રાત્રે ભગવાન ગણેશજીની 16 ફૂટ ઊંચી ફાઈબરની પ્રતિમામાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ ઘટનાને પગલે રહીશો અને ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક તબક્કે ફટાકડાથી આકસ્મિક રીતે આગ લાગી હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ CCTV ફૂટેજની ચકાસણી બાદ મામલો કોઈ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત કાવતરું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

દિવાળીની રાત્રે ગણેશજીની પ્રતિમાને લાગી હતી આગ

'અયોધ્યા કા રાજા યુવક મંડળ' પ્રમુખ વિજય શર્માએ સમગ્ર ઘટના અંગે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, દિવાળીની રાત્રે અંદાજે બે વાગ્યાના સુમારે અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની વિશાળ પ્રતિમાને ઈરાદાપૂર્વક સળગાવી દેવામાં આવી હતી. બીજા દિવસે જ્યારે મંડળના સભ્યઓઘટનાસ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

CCTV કેમેરા નીચેની તરફ ફેરવી દેવાયા હોવાનો આક્ષેપ

આગ લાગવાના બનાવના થોડા સમય પૂર્વે જ કોઈ શખ્સે હાથ વડે કેમેરાની દિશા ફેરવીને તેને નીચેની તરફ ઝુકાવી દીધા હતા. ગુનેગારો પોતાની ઓળખ છુપાવી શકે અને કોઈ પુરાવા ન રહે તે હેતુથી જ કેમેરા સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનો મંડળનો સ્પષ્ટ મત છે. આ ઉપરાંત, મંડળના પ્રમુખે આ કૃત્ય પાછળ અન્ય મંડળના કેટલાક અસંતુષ્ટ લોકોની સંડોવણી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે.

ગોત્રી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ, FSL તપાસ શરૂ

મંડળના સભ્યોના જણાવ્યા મુજબ, આગ લાગવાની ઘટનાના આશરે સાતેક દિવસ પહેલાં પણ મંડળના હોદેદારોની જાણ બહાર કેટલાક શખ્સોએ પ્રતિમાને તેના નિર્ધારિત સ્થાનેથી ખસેડીને પાછળના ભાગે મૂકી દીધી હતી. જેથી જૂની અદાવત કે અસંતોષ રાખીને આ ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે યુવક મંડળ દ્વારા ગોત્રી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ અરજી સુપરત કરવામાં આવી છે. ઘટનાની સંવેદનશીલતાને જોતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આગ કેવી રીતે લાગી અને તેમાં કોઈ જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ થયો છે કે કેમ, તેનો તાગ મેળવવા FSL ટીમે પણ સ્થળ પર પહોંચીને નમૂનાઓ એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.