Vadodara: વડોદરામાં "ગેસ કાળાબજારી" કરતો ટેમ્પો ચાલક ઝડપાયો; ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ કાઢી કોમર્શિયલ બોટલમાં ભરતો 

આરોપી ટેમ્પો ચાલક પાસેથી 30 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Mar 2026 11:54 AM (IST)Updated: Sun, 15 Mar 2026 11:54 AM (IST)
vadodara-police-arrested-tempo-driver-for-black-marketing-commercial-gas-cylinders
HIGHLIGHTS
  • વડોદરામાં ગેસ ચોરી-કાળાબજારીનું મોટું કાવતરું
  • એક ટેમ્પો ચાલક 30 ગેસ સિલિન્ડર સાથે ઝડપાયો
  • ઘરેલુમાંથી ગેસ કાઢી કોમર્શિયલ બોટલમાં ભરતો

Vadodara Gas black marketing: વડોદરા શહેરમાં ગેસ સિલિન્ડરની અછતની સમસ્યા વચ્ચે SOG પોલીસે ગેસની ચોરી અને કાળાબજારીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કારેલીબાગ વિસ્તારમાં પોલીસે એક આરોપીને કુલ 30 ગેસ સિલિન્ડર સાથે ઝડપી પાડ્યો છે. આરોપી ઘરેલુ બોટલમાંથી ગેસ કાઢી અને તેને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરી દેતો હતો.

કારેલીબાગ વિસ્તારમાં પોલીસ દરોડા

ચોક્કસ બાતમીના આધારે, શહેર SOG પોલીસે કારેલીબાગ વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ સ્થળ પરથી કુલ 30 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે, જેમાં 25 ઘરેલુ અને 5 કોમર્શિયલ ગેસ બોટલનો સમાવેશ થાય છે.

કેવી રીતે ગેસ ટ્રાન્સફર કરતો આરોપી?

આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, આરોપી સાદુલભાઈ ભોપાભાઈ ભરવાડ ગેસ એજન્સીમાં ટેમ્પો ચાલક તરીકે કામ કરે છે. ગ્રાહકોને ઘરેલુ ગેસ સિલિન્ડર પહોંચાડવાની ફરજ દરમિયાન, આ શખ્સ ગેરરીતિ આચરતો હતો. આરોપી ઘરેલુ બોટલમાંથી થોડો-થોડો ગેસ કાઢી લેતો, અને તેને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરી દેતો હતો.

30 ગેસ સિલિન્ડર સહિત સમગ્ર જપ્ત

પોલીસે સ્થળ પરથી 25 ઘરેલુ અને 5 કોમર્શિયલ સહિત કુલ 30 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. વધુમાં, એક બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતી સાધનસામગ્રી પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, આરોપી કઈ રીતે ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરે છે તેનો પોલીસે લાઈવ ડેમો પણ કરાવ્યો હતો.

કોને વેચાતા હતા આ સિલિન્ડર?

પોલીસ તપાસમાં એ બાબત પણ સામે આવી છે કે, આરોપી આ રીતે ગેરકાયદેસર ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોટલ, નાના વેપારીઓ અને અન્ય વ્યાવસાયિક એકમોને રૂપિયા 2000 થી 2500 સુધીના ઊંચા ભાવે વેચતો હતો.

વિતરણ વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા

આ સમગ્ર કૌભાંડ બહાર આવતા વડોદરા શહેરમાં ચાલતી ગેસ વિતરણ વ્યવસ્થાને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે હાલ તમામ મુદ્દામાલ કબ્જે લઈને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ મોટા કાળાબજારી રેકેટમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તે જાણવા માટે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.