Vadodara: બાકી વીજ બિલની વસૂલાત માટે વડોદરામાં MGVCLની મેગા ડ્રાઇવ, અત્યાર સુધીમાં રૂ.19 કરોડ વસૂલ્યા

લાંબા સમયથી બાકી બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Mar 2026 11:26 AM (IST)Updated: Sun, 15 Mar 2026 11:26 AM (IST)
mgvcl-mega-drive-in-vadodara-for-recovery-of-pending-electricity-bills
HIGHLIGHTS
  • વડોદરામાં MGVCLએ લાલ આંખ કરી
  • બાકી બિલ સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ
  • 220 કરોડના બાકી, 19 કરોડની વસૂલાત

Vadodara MGVCL mega drive: વડોદરા શહેર અને જિલ્લામાં વીજળીના બાકી બિલોની વસૂલાત માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. નાણાકીય વર્ષના અંતિમ માસને ધ્યાનમાં રાખીને કંપનીએ બાકી રકમ વસૂલ કરવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.

220 કરોડના બાકી લેણાં, 19 કરોડની વસૂલાત

એક આંકડા મુજબ વડોદરા વિસ્તારમાં આશરે 220 કરોડ રૂપિયાથી વધુના વીજ બિલ બાકી છે. આ મોટી રકમ વસૂલ કરવા માટે MGVCL દ્વારા ખાસ ટીમો બનાવી મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ અને વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 19 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આ વસૂલાત અભિયાનમાં વડોદરા O&M સર્કલમાંથી સૌથી વધુ અંદાજે 9 કરોડ રૂપિયાની વસૂલાત નોંધાઈ છે, જ્યારે વડોદરા સિટી સર્કલમાંથી 4 કરોડથી વધુ રકમ વસૂલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય સર્કલમાં પણ અધિકારીઓ અને ટીમો દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

કનેક્શન કાપતા પહેલા અપાશે નોટિસ

આ કામગીરી દરમિયાન બાકી બિલ ધરાવતા ગ્રાહકોને અગાઉથી નોટિસ આપવામાં આવી રહી છે. નોટિસ બાદ પણ બિલની ચુકવણી ન કરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ પગલું માત્ર બાકી રકમ વસૂલવા માટે લેવામાં આવ્યું છે, અને નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

MGVCL દ્વારા ગ્રાહકોને ખાસ અપીલ 

MGVCL દ્વારા નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા વધુમાં વધુ બાકી રકમ વસૂલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ સમયસર બાકી બિલની ચુકવણી કરે, જેથી વીજ કનેક્શન કાપવાની કાર્યવાહીથી બચી શકાય. આગામી દિવસોમાં પણ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ ચાલુ રહેશે. બાકી બિલ ધરાવતા ગ્રાહકો સામે નિયમો અનુસાર વધુ કાર્યવાહી કરવામાં આવશે.