Vadodara City News: વડોદરાના સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવનાર બરોડા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન સામેની કાર્યવાહીમાં એક મોટો વળાંક આવ્યો છે. સહકારી કાયદાની કલમ 76(B) હેઠળ શરૂ કરાયેલી આ કાયદાકીય પ્રક્રિયામાં ખામી સામે આવી છે, જેથી સુનાવણી મુલતવી રાખવાની ફરજ પડી છે. હવે આ મામલે આગામી સુનાવણી 23 માર્ચના રોજ યોજવામાં આવશે. જાણો સમગ્ર માહિતી વિગતવાર...
કાયદાકીય પ્રક્રિયામાં રહી ખામી
મળતી માહિતી મુજબ, ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. નિયમ અનુસાર, જ્યારે કોઈ પદાધિકારી સામે ગંભીર આક્ષેપો સાથેની નોટિસ આપવામાં આવે, ત્યારે તેની સાથે તપાસ અહેવાલ અને ભલામણોની નકલ પણ આપવી ફરજિયાત હોય છે જેથી આરોપિત પક્ષ પોતાનો બચાવ કરી શકે.
પરંતુ, સત્તાધીશો દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પેશિયલ ઓડિટરના અહેવાલ અને મુખ્ય કારોબારી અધિકારી (CEO)ની ભલામણનો ઉલ્લેખ તો હતો, પરંતુ તેની નકલો પક્ષકારોને આપવામાં આવી નહોતી.
પદાધિકારીઓએ ઉઠાવ્યો વાંધો
આ ટેકનિકલ અને કાયદાકીય ખામી સામે આવતા ડેરીના પદાધિકારીઓએ સખત વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ પ્રશ્ન કર્યો હતો કે જરૂરી દસ્તાવેજો વિના તેઓ પોતાનો જવાબ કેવી રીતે રજૂ કરી શકે. આ પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્રને પોતાની પ્રક્રિયામાં સુધારો કરવાની ફરજ પડી હતી અને અંતે સુનાવણીને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો: Vadodara: બરોડા ડેરીની ચૂંટણીમાં BJP vs BJP, ડેસર બેઠક પર કુલદીપસિંહ-સુરપાલસિંહ આમને સામને
23 માર્ચની સુનાવણી પર નજર
આગામી કાર્યવાહીના ભાગરૂપે, હવે તંત્ર દ્વારા સ્પેશિયલ ઓડિટરનો સંપૂર્ણ અહેવાલ અને CEOની ભલામણની અધિકૃત નકલો ડેરીના પદાધિકારીઓને સોંપવામાં આવશે. આ મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા બાદ જ ચેરમેન અને વાઈસ ચેરમેન પોતાનો લેખિત ખુલાસો રજૂ કરશે.
સહકારી વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ તેજ બની છે કે કોઈ દબાણ હેઠળ કે ઉતાવળમાં આ નોટિસ બહાર પાડવામાં આવી હોવાથી પ્રાથમિક પ્રક્રિયામાં જ મોટી ખામી રહી ગઈ છે. હવે 23 માર્ચે યોજાનારી આગામી સુનાવણીમાં તંત્ર દ્વારા દસ્તાવેજો રજૂ થયા બાદ આ સમગ્ર મામલો કઈ દિશામાં આગળ વધે છે તેના પર ગુજરાતના સહકારી ક્ષેત્રની નજર મંડાયેલી છે.
